ગ્રીષ્માનો સ્વર્ગમાંથી લખાયેલો અંતિમ પાત્ર વાંચીને તમારી આંખોમાં પણ ઝળઝળિયાં આવી જશે, દરેક દીકરી અને તેના માતા પિતાએ વંચાવ જેવી વાત

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી. એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને ઘણી ખબરો મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ત્યારે હાલ મૃતક ગ્રીષ્માનો સ્વર્ગમાંથી એક છેલ્લો પત્ર સામે આવ્યો છે, જે એક લેખક દ્વારા લખવામાં આવ્યો છે, આ પત્રમાં ગ્રીષ્માની મનોદશા સ્પષ્ટ તરી આવે છે.

હેલો.. મારુ નામ ગ્રીષ્મા છે, ગ્રીષ્મા વેકરિયા.. મને બધા જ આજે ઓળખતા થઈ ગયા, ગુજરાતના ખૂણે ખૂણે આજે મારુ નામ લેવાઈ રહ્યું છે, સોશિયલ મીડિયાથી લઈને, ટીવી સમાચારો અને અખબારની હેડલાઈનમાં પણ હું જ છવાયેલી છું, પણ અફસોસ એ વાતનો છે કે આ બધું જોવા માટે આજે હું હયાત નથી. કોની ભૂલથી ? આ સવાલ મારા દિમાગમાં હમેંશા રહેશે અને મને મૃત્યુ બાદ પણ આ સવાલ જીવવા નહિ દે.

કોઈ મારા માતા પિતાના સંસ્કારોનો વાંક કાઢી રહ્યું છે તો કોઈ પેલા નરાધમ જેને મારી હત્યા કરી નાખી એના માતા-પિતાનો. પણ સાચું કહું આના માટે દોષિત આખો સમાજ છે, આખું રાજ્ય છે અને દરેક વ્યક્તિ છે. આજે મારા ન્યાય માટે એ લોકો પણ અવાજ ઉઠાવી રહ્યા છે જે છોકરીઓની છેડતી કરે છે, અપમાન જનક શબ્દો ઉચ્ચારે છે, પોતાના ઘરની સ્ત્રી ઉપર હાથ ઉઠાવે છે, કોઈની બહેન દીકરી ઉપર અશ્લીલ ટિપ્પણીઓ કરે છે. કદાચ હું બચી ગઈ હોત જો ફેનીલના મિત્રો આગળ આવ્યા હોત, ફેનિલે આ નિર્ણય રાતો રાત તો લીધો નહિ હોય ને ? એ મને કેટલાય સમયથી હેરાન કરતો હતો એ બધા જ જાણે છે, તો એને એના મિત્રોને ચોક્કસ વાત કરી જ હશે કે તે આવું કોઈ પગલું ભરવાનો છે, પણ કોઈ આગળ ના આવ્યું અને એ નરાધમ મારુ ગળું કાપીને ચાલ્યો ગયો.

મારા મોતનો વીડિયો પણ તમે જોયો હશે, જોઈને તમારું લોહી પણ ઉકળ્યું હશે. પણ આ બધું કેટલા દિવસ રાખશો તમે, મારા મોત બાદ પણ રાજકારણ ખેલાઈ રહ્યું છે, એક બીજા સમાજ સામે આંગળીઓ ઉઠી રહી છે, પણ શું આવી ઘટના એક જ સમાજમાં બનશે, અને આ પહેલી ઘટના નથી કે ના આ છેલ્લી ઘટના છે, હજુ પણ કોઈ ગ્રીષ્મા કોઈ નરધામના હાથે પિંખાશે, છેડતીનો શિકાર બનશે, હવસની ભૂખ બનશે અને મોતને પણ ભેટશે, ત્યારે પણ તમે આજ રીતે ન્યાય માટે લડતા હશો.. ખરું ને ?

પણ શું આપણે આજે જ ના જાગી શકીએ ? એકબીજાને દોષ આપવાને બદલે પોતાની અંદર પણ એક ડોકિયું કરી જોઈએ. ભલે તમે સારા માણસ છો પણ તમારી આસપાસ રહેલા એવા લોકોને તો તમે ઓળખી જ શકો છો ને જેના મનમાં એક સ્ત્રી વિશે કેવા વિચારો ચાલી રહ્યા છે ? તો એવા લોકોને તમે બહાર નહિ લાવી શકો ? ભલે એ તમારો મિત્ર હોય, સંબંધી હોય, દીકરો હોય કે કોઈપણ.. તમારા સંબંધ કરતા કોઈનું જીવન અને ઈજ્જત અમૂલ્ય છે. માટે જરા વિચારજો… કદાચ તમારા ઘરમાં કોઈ બીજી ગ્રીષ્મા સાથે આવું ના બને..!!!

લી. – ગ્રીષ્માં વેકરિયા (સ્વર્ગમાંથી કલ્પના સભર પત્ર)
– નીરવ પટેલ “શ્યામ”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પત્ર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને વાંચીને ખુબ જ ભાવુક થઇ રહ્યા છે. આ પત્રમાં  શબ્દો ભલે લેખકના હોય પરંતુ ભાવના ગ્રીષ્માની અને દેશની દરેક દીકરીની વ્યક્ત થઇ રહી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પત્રને વાંચીને ઘણા લોકો કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel