સ્વર્ગમાં થયો કિશન ભરવાડ સાથે ગ્રીષ્મા વેકરિયાનો ભેટો (એક કલ્પના સભર સંવાદ) વાંચતા વાંચતા રડી જશો

ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યા થઇ અને તેની હત્યાને એક મહિના જેટલો પણ સમય નહોતો વીત્યો ત્યાં સુરતની અંદર ગ્રીષ્મા વેકરીયા નામની એક 21 વર્ષીય યુવતીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી, આ બંને હત્યા બાદ લોકોમાં પણ ઘણો રોષ જોવા મળ્યો, ત્યારે હવે સ્વર્ગની અંદર સીધાવેલાં કિશન ભરવાડ સાથે ગ્રીષ્માનો ભેટો થાય છે ત્યારે કેવા લાગણી સભર સંવાદો સર્જાય છે, તેની એક કલ્પના લેખકની કલમે વાંચજો.

ગ્રીષ્મા સ્વર્ગના દરવાજાની અંદર ડરતા ડરતા પ્રવેશ કરી રહી હતી, તેની નજર આમ તેમ મંડરાઈ રહી હતી… કિશન ભરવાડે તેને આવતા જોઈને કહ્યું… “આવ બેન આવ સ્વર્ગમાં તારું સ્વાગત છે. અહીંયા તારે ડરવાની જરૂર નથી… અહીંયા બધા ચોખ્ખા મન વાળા જ લોકો રહે છે !”

ગ્રીષ્મા : “તમે તો એજ કિશનભાઈને જેમની થોડા દિવસ પહેલા જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ?” કિશન : “હા બેન.. હું એજ કિશન.. હજુ તો હું મારી દીકરીને મન ભરીને રમાડી પણ નહોતો શક્યો, માત્ર 20 દિવસની જ થઈ હતી એ અને નરાધમોએ મને ગોળી મારી દીધી !” ગ્રીષ્મા : “હા મેં તમારા વિશે જાણ્યું હતું.. સમાચારમાં.. સોશિયલ મીડિયામાં, તમને ન્યાય અપાવવા માટે ઘણા આંદોલનો થયા, તમારા પરિવારની મદદે પણ ઘણા આવ્યા !”

કિશન : “હા, અહીંયા અમને પણ પૃથ્વીની બધી ખબર મળતી રહે છે. પરંતુ એ પણ મેં જોયું કે મને બધાએ થોડા દિવસ જ યાદ કર્યો અને ભૂલી ગયા, હવે ફક્ત મારો પરિવાર અને મને ચાહનારા થોડા લોકો જ યાદ કરે છે. હવે બધા તારા માટે ન્યાય માંગવા આગળ આવે છે અને તને પણ થોડા દિવસમાં ભૂલી જશે !” ગ્રીષ્મા : “હા ભાઈ, આ દુનિયાનો એજ નિયમ છે, બધા થોડા દિવસ ચર્ચામાં રહેવા માટે પોસ્ટ મુકશે, શ્રદ્ધાંજલિ આપશે, ન્યાય માટે લડશે અને પછી પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. રસ્તે જતી કોઈ છોકરીની આબરૂ ઉપર કોઈ હાથ નાખશે કે પછી અભદ્ર ટિપ્પણી કરશે કે મારી જેમ હત્યા કરી દેશે ત્યારે પણ “મારે શું ?” એમ કહીને ચાલ્યા જશે ! અને પછી એજ લોકો એ બહેન દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં કુદી પડશે !”

કિશન : “એકદમ સાચી વાત છે બેન તારી, આજના લોકોને ધર્મ, સમાજ, જ્ઞાતિના નામ ઉપર જ લડવું છે, કોઈને એક થઈને રહેવું નથી અને દોષના ટોપલા એકબીજા ઉપર જ ઢોળવા છે, મારી હત્યા બાદ પણ એજ થયું, અને તારી હત્યા બાદ પણ એજ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પણ એજ થવાનું છે.” ગ્રીષ્મા : “પરંતુ આપણો શો વાંક હતો ભાઈ ? મારા પણ ઘણા સપના હતા, મારા દિવ્યાંગ મમ્મી પપ્પાનો મારે સહારો બનવું હતું, મારે મારા પગભેર ઉભા રહીને દુનિયાને માણવી હતી, મારી ઉંમર હજુ સપના જોવાની હતી અને આજ ઉંમરમાં મારુ સપનું રોળી નાખ્યું ? મારે મારુ નામ મૃત્યુ બાદ નહિ જીવતે જીવંત બનાવવું હતું.”

કિશન : “બહેન આપણો કોઈ વાંક નથી, વાંક છે આ દુનિયાનો, આ સમાજનો જેને ધર્મના વાળામાં દરેક વ્યક્તિને વહેંચી દીધો છે, આજે કોઈને કોઈનું ભલું કરવામાં રસ નથી, બસ પોતાની જાતને મોટી કરવામાં અને બીજાને નીચા પાડવામાં જ રસ છે !” ગ્રીષ્મા : “હા ભાઈ સાચી વાત.. કોઈના પાપનો ભોગ આપણે બન્યા, બસ હવે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મારા જેવું કોઈ બીજી બહેન દીકરી સાથે ના થાય, એની લાજ ના લૂંટાય, છેડતી ના થાય એવી દરેક વ્યક્તિમાં સમજ આવે, ધર્મ અને જ્ઞાતિના નામ ઉપર કોઈ કોઈનો જીવ ના લે એવી સદબુદ્ધિ ઈશ્વર દરેક વ્યક્તિને આપે !”

લેખક: નીરવ પટેલ “શ્યામ”

કિશન ભરવાડ અને ગ્રીષ્માનો આ લાગણી સભર સંવાદ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંનેની હત્યા ઉપર લોકોને ખુબ જ ઊંડું દુઃખ થઇ રહ્યું છે અને ઘણા લોકો તેમને ન્યાય મળે તે માટે થઈને રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા છે. ત્યારે આ પાત્ર બંનેની લાગણીને એક વાચા આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

YC