એક્સપ્રેસ વે પર રોન્ગ સાઇડથી આવી રહેલી સ્કૂલ બસે કારને મારી જોરદાર ટક્કર, 6 લોકોના મોત

હે રામ….એક્સપ્રેસ વે પર દુર્ઘટના, સ્કૂલબસ-કાર અથડાતા 6નાં મોત

Ghaziabad Accident News: ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં વાહનોમાં ટેકનિકલ ખામી તો કેટલીકવાર વાહન ચાલકોની બેદરકારી હોય છે. ઘણીવાર અકસ્માતમાં કેટલાય લોકો મોતને પણ ભેટે છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નેશનલ હાઈવે પરથી અકસ્માતની ઘટના સામે આવી, જેમાં બસ અને કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા. સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલે ટ્રાફિક અધિકારીએ પ્રતિક્રિયા આપી છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થયો અકસ્માત
પોલીસે જણાવ્યું કે આ મામલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ગાઝિયાબાદમાં ટ્રાફિક એડીસીપીએ જણાવ્યુ કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 6 વાગ્યે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ ખોટી લેનમાં આવી રહી હતી. બસ ડ્રાઈવરની ભૂલ હતી અને બસ ડ્રાઈવર પકડાઈ ગયો છે. આ ઘટના પર સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી.

સીએમ યોગીના કાર્યાલય દ્વારા ઘટના પર કરવામાં આવ્યુ ટ્વીટ
સીએમ યોગીના કાર્યાલયના ટ્વીટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે – ગાઝિયાબાદ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને ઘાયલોની ઝડપથી સાજા થાય તેવી મુખ્યમંત્રીએ કામના કરી છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં નોઈડામાં એક ખાનગી સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર થઈ.

અકસ્માતના CCTV ફુટેજ આવ્યા સામે
આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા અને આમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશનના ધાનપુર ગામનો પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જ કારને અકસ્માત નડ્યો. આ અકસ્માતના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં હાઈસ્પીડ બસ રોંગ સાઈડથી જઈ રહી હોવાનું અને સ્પીડ વધારે હોવાનું દેખાય છે. અકસ્માત બાદ કારમાં સવાર લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જેમને પોલીસે કોઈક રીતે બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા. સદનસીબે અકસ્માત સમયે સ્કૂલ બસમાં કોઈ બાળકો ન હતા.

બસ 8 કિમી સુધી રોંગ સાઇડમાં ચાલી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં નરેન્દ્ર યાદવ, પત્ની અનિતા અને બે પુત્રો હિમાંશુ અને કાર્તિકના મોત થયા છે. નરેન્દ્ર યાદવના ભાઈ ધર્મેન્દ્રની પત્ની બબીતા અને પુત્રી વંશિકાનું પણ મોત થયું છે જ્યારે ધર્મેન્દ્ર અને પુત્ર આર્યન ગંભીર રીતે ઘાયલ થયા છે. ધર્મેન્દ્ર ખેતીકામ કરતો હતો જ્યારે નરેન્દ્ર ઈલેક્ટ્રોનિકની દુકાન ચલાવતો હતો. ADCP ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, બસ નોઈડાની બાલ ભારતી સ્કૂલની છે.

પોલીસે કહ્યું – બસ ડ્રાઇવરની ભૂલ
ડ્રાઈવર દિલ્હીથી પરત ફરી રહ્યો હતો. તેણે ગાઝીપુરમાં સીએનજી ભરાવ્યો અને તે રોંગ સાઇડમાં બસ હંકારી રહ્યો હતો. આ અકસ્માતમાં સમગ્ર દોષ બસ ડ્રાઈવરની છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ લગભગ 8 કિલોમીટર સુધી રોંગ સાઇડમાં ચાલી હતી. બસ ડ્રાઈવરનું નામ પ્રેમપાલ છે. તેના નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ ચાલુ છે.

Shah Jina