અમરનાથ યાત્રામાં મોતને ભેટેલા વડોદરાના યુવકનો પાર્થિવ દેહ વડોદરા આવ્યો, હૈયાફાટ રુદન વચ્ચે માહોલ બન્યો ગમગીન, અંતિમ યાત્રામાં સમગ્ર વિસ્તાર હીબકે ચઢ્યો

જુડવા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, અમરનાથમાં હાર્ટ-એટેકથી મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ વડોદરા લવાયો, અંતિમયાત્રામાં આખી પોળ હિબકે ચડી

Ganesh Kadam Died in Amarnath Funeral : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં ઘણા યુવાનો પણ મોતને ભેટતા હોય છે. તો આ સમયે અમરનાથ યાત્રા દરમિયાન પણ ગુજરાતીઓના મોતના મામલા સામે આવ્યા હતા.  વડોદરાનો એક 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો, ત્યારે અમરનાથ ધામમાં દર્શન કરે એ પહેલા જ તેનું પહેલગામ હોસ્પિટલમાં 3 હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. જેના બાદ તેના પરિવારમાં પણ માતમ છવાયો હતો, અને યુવકના પાર્થિવ દેહને વડોદરા લાવવાની તૈયારીઓ કરવામાં આવી.

પરિવારનો આક્રંદ :

જેના બાદ ગતરોજ ગણેશનો પાર્થિવ દેહ કાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે વડોદરામાં લાવવામાં આવ્યો. ગણેશનો પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. પરિવાર તેને વળગીને હૈયાફાટ રુદન કરી રહ્યો હતો. તેની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર હીબકે ચઢ્યો હતો. ગણેશના અંતિમ સંસ્કાર ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા હતા.

જોડિયા બાળકો બન્યા પિતાવિહોણા :

ગણેશ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલા પીતામ્બર ફળિયામાં રહેતો હતો. જયારે તેના પાર્થિવ દેહને ફળિયામાં લાવવામાં આવ્યો  ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જુવાન જોધ ગણેશના પાર્થિવ દેહને જોઈને સૌની આંખોમાં આંસુઓ હતા. આ દરમિયાન  હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. સાથે જ ગણેશનો પરિવાર પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. ગણેશના નિધન બાદ તેના ટ્વિન્સ સંતાનો પણ હવે પિતાવિહોણા બન્યા છે.

મિત્રો સાથે ગયો હતો અમરનાથ :

ગણેશ એલ્યુમીનીયમ સેક્શનનું કામ કરતો હતો અને ગૌરક્ષક સમિતિનો કાર્યકર પણ હતો. તે પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રા પર ગયો હતો, જ્યાં પહેલગામમાં તેને પહેલા અચાનક ઉલ્ટીઓ શરૂ થઇ અને ત્યારબાદ તેને સ્થાનિક દવાખાનામાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેને 2 હાર્ટ એટેક આવ્યા અને પછી ત્રીજા હાર્ટ એટેકમાં તેનું મોત થયું. ગત રોજ તેના પોસ્ટમોર્ટમ બાદ તેને પાર્થિવ દેહને શ્રીનગરથી વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો અને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યો હતો.

Niraj Patel