પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 4 – છકાને મેં સાદ પાડ્યો અને બસ સામે હાથ ઉંચો કર્યો બસની ઉપર બોર્ડ માર્યું હતું… – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

બીજે દિવસે આર ડી ઝાલા નવેક વાગ્યે આવ્યા. રૂટીન કામગીરી પતાવીને એ કેદીઓની કામગીરી જોવા નીકળ્યાં. સ્ટાફને જરૂરી સૂચનાઓ આપીને એ છેલ્લે ઘનશ્યામ પરબત અને હકા ભીખાની કોટડી તરફ ગયા. બને કેદીઓ ન્હાઈને તૈયાર થઇ ચુક્યા હતા. આર ડી ઝાલાને જોઇને હકા ભીખા તરત જ બોલ્યો.

“ મંદિરમાં જઈએ અને ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી જે અલૌકિક અને દિવ્ય આનંદ થાય એવો જ આનંદ મને અત્યારે તમને જોઇને થાય છે.” આર ડી ઝાલા સામે બે હાથ જોડીને હકા ભીખા મંદ મંદ હસતો હતો. ઝાલા પણ સહેજ હસ્યા અને બોલ્યાં.

“ હકા આ ઘના સાથે તારે થોડાક દિવસ રહેવું પડશે. કારણ કે આ લગભગ સાવ સીધો સાદો છોકરો છે. જેલના વાતાવરણ થી એ બગડી જાય એ પહેલા જ તારી સાથે થોડો સમય રહે પછી એ પોતાની રીતે સેટલ થઇ જશે જો તને કોઈ વાંધો ન હોય તો. નહિતર મારે એનો કોઈક બીજા ભેગો ગોઠવવો પડશે. કદાચ નાનજી નથુ અથવા હાસમ સિકંદર.. પણ મને લાગે છે કે તને આ બાબતનો કોઈ વાંધો નહીં હોય. સારા ઘરનો છોકરો છે. કદાચ તારી સજા પૂરી થાય ને તારે કોઈ કામ ધંધો કરવો હોય તો કામમાં આવે એવો છોકરો છે”

“ જ્ન્મ્યોને ત્યારથી મારે કોઈનું કામ નથી પડ્યું. અમે ભે ભાઈઓ હતાં. બે ય અમારી રીતે પગભર થયા છીએ. હવે હું એકલો છું. લોકોને મારું કામ પડે છે થાય એમ હોય તો હું કરું બાકી મારે કોઈનું કામ નથી આર ડી ઝાલા સાહેબ.. બોલો વાત આમ છે “ આમ કહીને હકા ભીખાએ વળી એક ત્રીસ નંબર બીડી સળગાવી. આર ડી ઝાલા એને જોઈ રહ્યા.

“ સારું ત્યારે એકાદ બે દિવસ એમની સાથે રહે પછી મને તું કહેજે અને ફાવે તો એમની સાથે રહેજે તને કોઈ ફોર્સ નથી. હું ધારું તો એને મારી ઓફિસમાં કામગીરી કરવા પણ રાખી શકું છું. આ જેલની ચાર દીવાલની અંદર મારું રાજ ચાલે છે એ તો તને ખબર જ હશે. પણ આ તો તારા સારા માટે કહેતો હતો બાકી આને સાચવવા માટે છેક ઉપરથી ભલામણ આવી છે કે એને કોઈ વાતે તકલીફ ન થવી જોઈએ. અને તું સાથે હો તો કોઈ તકલીફ ન થાય એની મને ખાતરી છે. બે દિવસ વિચારી જો.. બાકી હું એને મારી હેઠળ ઓફીસ કામગીરીમાં ગોઠવી દઈશ. એટલે એનું કામ થઇ જશે “ કહીને રુઆબદાર ચાલમાં આર ડી ઝાલા ચાલ્યા ગયાં. એ બહુ સાવચેતી પૂર્વક એક એક ડગલું માંડી રહ્યા હતા. એની એક ભૂલ આખી યોજનાને ઉંધી વાળી દે એમ હતી. એટલે જ એ કોઈ ગરજ બતાવવા માંગતા નહોતા. પણ વાતાવરણ જ એવું ઉભું કરવા માંગતા હતા કે સામેથી હકા ભીખા ઘનશ્યામ પરબત સાથે જોડીદારમાં ગોઠવાઈ જાય અને આમ થઇ જાય તો એમનું ધારેલું કાર્ય પૂરું થઇ જવામાં થોડો સમય ભલે લાગે પણ કામ સો ટકા પૂરું થઇ જવાનું હતું.

Image Source

આર ડી ઝાલા થોડેક દૂર ગયાં પછી હકા ભીખાએ ખાતરી કરીને ઘનાને કહ્યું. “ આ બહુ પહોંચેલી માયા છે. આને એ વાતની ખબર ન પડવી જોઈએ કે આપણે એક બીજાના જાણીતા નીકળ્યાં છીએ. બાકી ઘના તું ભારે છેડા ધરાવતો લાગે છે. તારે આ કોટડીમાં લાંબો સમય વિતાવવો નહિ પડે. નક્કી તને ઓફીસ નું હળવું કામ સોંપશે. તું ના ન પાડતો. તારા કાકાને પાછો ભૂલતો નહિ. પછી તને એમ લાગે કે ત્યાં મજા આવે છે તો મારી માંગણી કરજે હું પણ તારી સાથે ઓફિસમાં આવતો રહીશ. સાલી તાજી હવા ખાવા તો મળે ને બાકી બીજો તો કોઈ બેનીફીટ નથી. અહીંથી કુદીને તો કોઈ ભાગીને અત્યાર સુધીમાં ગયાના દાખલા નથી.”

“ મને ખ્યાલ નથી.. મેં કોઈને ભલામણ પણ નથી કરી. મારા બાપા તો કોઈને ભલામણ પણ ના કરે પણ હા મારા શેઠ કદાચ કોઈને ભલામણ કરી હોય તો મને ખબર નથી પણ હકાકા તમે ચિંતા ન કરો. હું તમને પણ સાથે લઇ જઈશ. કદાચ મને સગવડ મળશે તો સાથોસાથ તમને પણ સગવડ અપાવીશ જ!!” વાત કરતા કરતાં ઘનો થોડોક ભાવુક થઇ ગયો અને હકા ભીખાની આંખના ખૂણા પણ ભીના થઇ ગયાં.

“ એવું નથી આપણા જેવા લોકો પર તો રાજકારણીઓની બાજ નજર હોય છે. એ શરૂઆતમાં આપણી ઉપર ઉપકાર કરતાં હોય એમ મદદ કરે પછી એ મદદનું વળતર જેલમાંથી છુટકારો થાય કે તરત જ વસુલ કરે. એને ખબર પડી જાય કે એક વખત જેલનો સિક્કો કપાળે લાગી ગયો પછી આપણો આ દંભી સમાજ એ વ્યક્તિને સો ટકા તો સ્વીકારે જ નહિ. ભલે ગુન્હો કર્યો હોય કે ન કર્યો હોય પણ તમે જેલમાં રહી આવ્યાં એટલે સગા સંબંધીથી માંડીને તમામ સ્નેહી મિત્રો તમારાથી સલામત અંતર જાળવે જ. પછી તમારે કોઈના પણ ટેકા વગર જાતે પોતાના પગ પર ઉભા થવું એ એક રસ્તો છે. બીજો સરળ અને સીધો રસ્તો છે ગુનાખોરીનો. જેલમાં આવનાર ૮૦ ટકા તો લખણખોટા અને રીઢા ગુનેગાર હોય જ. બસ એમની જેમ જ છૂટીને કાળા અને જાકુબના ધંધા ફરીથી આદરવાના. મોટા ભાગે લોકો બીજો રસ્તો પસંદ કરે છે. પછી એ માણસો રાજકારણી અને સમાજકારણીઓ માટે કામ કરે છે. રાજકારણીઓને પણ સારા કહેવરાવે એવા આપણે ત્યાં સમાજકારણીઓ પેદા થવા લાગ્યા છે. રાજકારણીઓ તો ઓળખાઈ જાય કે કારણકે એને તો કોઈને કોઈ પાર્ટી સાથે સંપર્ક હોય છે. પણ આ સમાજકારણીઓ કોઈ પણ પાર્ટીના ન હોય અથવા બધીજ પાર્ટીઓના હોય. વા વાય ત્યાં એ લોકો ઘોડી માંડી દેતા હોય છે. આમ મારા બેટા લાગે હરિચંદ્ર અને ગાંધીજીના દીકરા. મોટી મોટી એન જી ઓ ચલાવે. મોટી મોટી શિબિરો કરે. ડાહી ડાહી વાતો કરે. ભારતદેશની ગરીબાઈનું આ લોકો વિદેશમાં નિકાસ કરે છે અને પછી ત્યાંથી સહાનુભુતિના ડોલર એકઠા કરીને સમાજકારણીઓ ભારતમાં લાવે. શિક્ષણ અને સ્વાસ્થ્ય, સમાજ જાગૃતિના થોડાક કામ કરે અને પુરાવા જાજા આપે. બસ આજ એનો ધંધો. પછી દેશ વિદેશમાંથી એવોર્ડ મેળવે. પોતે ગરીબોની ચિંતા કરતાં અમીર થઇ જાય એવા જ આવા સમાજકારણીઓ. આવા સમાજકારણી અવારનવાર જેલમાં આવે. કેદીઓ વિષે માહિતી મેળવે પણ હકીકતમાં એનો આશય જુદો જ હોય. મને એક સમાજકારણી ભટકાણા હતા આની પહેલા હું આ જેલમાં આવેલો ને ત્યારે. એને એક પત્રકાર હેરાન કરતો હતો. વિચાર કર્ય ઘના એ પત્રકારના ટાંટિયા ભાંગવાના મને ૨૫૦૦૦ મળ્યાં હતાં. આ લોકો પૈસા એડવાન્સમાં આપી દે. પછી એનું કામ કરી દેવાનું. કામ કર્યા પછી એ આપણી સાથે જાહેરમાં સંબંધ ન રાખે પણ બરાબરના કોઈની ઝપટે આવી જાય ને ત્યારે વળી પાછા આપણને યાદ કરે!!” આ સમાજકારણી શબ્દ ઘના માટે સાવ નહોતો. પોતાની બાપુની ઉમરના હકા ભીખા પાસે અસ્ખલિત નોલેજ હતું એની એને નવાઈ લાગતી હતી.

“હકાકા તમે કેટલું ભણેલા છો?? લાગે છે કે ભણવામાં હોંશિયાર હશો જ.. આટલું સરસ મજાનું જ્ઞાન ધરવતો માણસ વારંવાર જેલમાં આવે એ નવાઈ જ લાગે એમ છે.” ઘના એ પુછ્યું.

Image Source

“ આમ તો ચાર ચોપડી જ ભણેલો છું… પછી અમને બેય ભાઈને બાપાએ નિશાળેથી ઉઠાડી લીધેલા. મને યાદ બહુ જ રહે.. એક વાર વાંચું તો પછી એ આખી જિંદગીના ભૂલાય. ખેર બાપાને તમામ અપલખણ હતાં. કંટાળીને અમારી મા હું ત્રણ વરસનો અને મારો નાનો ભાઈ છકા ભીખા એક વરસનો હતો ત્યારે ભાગી ગઈ એમ અમને અમારો બાપ કહેતો. મોટા થયા પછી એ જાણવા મળ્યું કે મારા બાપે જ મારી માને કાઢી મૂકી હતી. સાચું ખોટું રામ જાણે મને કાઈ લાંબી ખબર નથી. પછી તો હું અને મારો ભાઈ છકો મારા બાપા હાર્યે શેરમાં થોડો વખત રહ્યા. ત્યાં આખો દિવસ રસ્તામાં પડેલા કાગળિયાં વીણવાના કોઈની ઘરે પસ્તી પડી હોય તો માંગી લેવાની અમારા ઈ બાળપણના જમાનામાં પસ્તીના કોઈ પૈસા ન લેતું. સારા સારા બંગલામાંથી ક્યારેક અમને પસ્તીની સાથે ખાવાનું પણ મળી જતું. એ છાપાની પસ્તીમાં કયારેક વાંચવા લાયક મેગેજીન પણ હોય. ઈ હું એક કોથળામાં અલગ તારવી લેતો અને બાકીની પસ્તી વેચીને બાપાને પૈસા આપી દેતો. પછી મારા બાપા એમાંથી અમારા માટે ખાવાનું થોડું લાવે અને એની માટે પીવાનું લાટ બધું લાવે.

રાતે સરકારી લેમ્પના અંજવાળે હું મોડે સુધી એ પસ્તી વાંચતો. ધીમે ધીમે જ્ઞાન પણ વધતું ગયું અને વનાન પણ વધતા ગયા. એમાં એક વાર લઠ્ઠો પીવાને કારણે મારા બાપાનું અવસાન થઇ ગયું. ગરીબ લોકોનો મોતનો પણ તમાશો હોય છે. મારો બાપ એમને એમ મરી ગયો હોત તો કોઈ ભોજિયો ભાઈ પણ ભાવ ન પૂછત પણ એ લઠ્ઠો પીને મરી ગયો હતો એની સાથે બીજા પાંચ જણા મરી ગયાં હતા. એટલે રાતોરાત મારા બાપાનું નામ રેડીયોમાં અને છાપામાં રોશન થઇ ગયું. ઘના ગરીબ માણસોનું કમોત પણ સમાજકારણી માટે ધનનું સાધન બની જાય છે. અમારા વિષે સ્ટોરીઓ ચાલી કે આ અનાથ બાળકોનું શું?? સરકાર ઊંઘે છે કે શું?? તંત્રની ઘોર બેદરકારી!! સરકારી તંત્ર સફાળું જાગશે ખરું??

લઠ્ઠાકાંડમાં ન્યાય મળવો જોઈએ. એક આવા જ સમાજ કારણી જે મોટી સંસ્થા ચલાવતા હતાં એણે મને અને મારા ભાઈને અને બીજા જેના બાપા લઠ્ઠો પીને મરી ગયા હતા. એ બધાને સંસ્થામાં લઇ ગયા. સારા કપડા બનાવ્યા. ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. પત્રકારો પાસે અમારા ફોટાઓ લીધા!! ઘના બાપ તો મરી ગયો પણ નાની ઉમરમાં અમારા ફોટાઓ છાપામાં આવે એવું કરતો ગયો બોલ!! છાપા વાળા અને ચોપાનીયા વાળા રીતસરના અમારી પાછળ પડી ગયાં. દેશના છાપા તો ઠીક વિદેશના છાપામાં અમારા ગરીબડા ફોટા છપાયા. લોકોમાં અમારા પ્રત્યે અનુકંપા જન્મી. ખાદીના કપડા અને મોટા મોટા ચાંદલા કરેલી બોય કટ વાળ વાળી બાયું અમારી સંસ્થામાં આવતી. આવે ત્યારે ખુશખુશાલ હોય પછી એની સાથે એક કેમેરા વાળો હોય એ બધીય અમારા માથા પર હાથ ફેરવે અને આંસુડા પાડે. જેવી ફોટો ગ્રાફી પૂરી થાય એટલે આંસુડા ગાયબ થઇ જાય. એમાંથી મોટા ભાગની બાયું વળી સિગારેટ પણ પીવે. આવું ઘણાં દિવસ ચાલ્યું . અમારા પ્રત્યે સહાનુભૂતિનો જુવાળ આવ્યો. પછી અમુક સજ્જનો પાસેથી અને સરકાર પાસેથી એ સમાજકારણી એ સારું એવું વળતર લીધું એ પણ અમારા નામે. ઘણાં રૂપિયા ભેગા કર્યા અમારા ભવિષ્યને સુધારવા માટે પણ આ બધું એકાદ એકાદ મહિના સુધી જ.. પછી તો અમને એ ઢોરની જેમ રાખે. બહાર ક્યાય નીકળવાનું નહિ. કોઈ ફરિયાદ કરવાની નહિ. કોઈ ભૂલ થાય તો એક રૂમમાં પૂરી દે..આની કરતા મારો બાપ સારો હતો કમસે કમ ખાવા તો દેતો હતો. આ તો અમને કયારેક બે દિવસ પણ ભૂખ્યા રાખે. એટલે જ પણ આ ઉમરે મને આ કહેવાતા ખાદીના ગીધડા ઉપર પહેલેથી જ દાઝ છે. બાળપણનો અનુભવ જ એવો ત્રાસ દાયક કે આજે પણ કોઈ આવા સમાજકારણીને જોઉં છું ને ત્યારે સોર્યા વગરના બાવળિયાના સોટે ને સોટે મારવાનું મન થાય છે મને ઘના બોલ્ય તારું શું કહેવું છે ઘના??” કહીને હકા ભીખાને એક ત્રીસ નંબર પોતે સળગાવી અને બીડીની જુડી અને બાક્સનો ઘા ઘનાની કોટડી તરફ કર્યો અને પછી તો વગર કીધ્યે ઘના એ પણ તીસ નંબર બીડી નો સટ માર્યો. બને ઓરડીમાં ધુમાડાના ગોટા નીકળવા માંડ્યા અને હકા ભીખાએ વાત ફરીથી શરુ કરી.

Image Source

“પછી હું અને મારો ભાઈ છકો આ સંસ્થાથી કંટાળ્યા. અહીંથી છૂટવાનો માર્ગ વિચારવા લાગ્યાં. ઈ વખતની નાની ઉમરનું વાંચન કામ આવ્યું અને મેં અને મારા ભાઈએ નક્કી કર્યું કે સામા પૂરે તરવામાં માલ નથી. આમાંથી છુટકારો મેળવવો હોય તો એની સાથે ભળી જવાનું વિરોધ જ નહિ કરવાનો એક વખત એને વિશ્વાસ બેસે થોડીક છૂટ મળે એટલે આ સમાજકારણીને વાછૂટ કરાવી દઉં એ નક્કી. પંદર દિવસ અમે સાવ શાંત થઇ ગયા. બીજા બધા અનાથ બાળકો વિરોધ કરતાં મોઢાં બગાડતા એને માર પડતો. પણ અમને માર ઓછો થઇ ગયો. પછી એ સમાજકારણી અમને બેય ભાઈને અલગ રાખવા માંડ્યો. અમારી સાથે વાત પણ કરવા લાગ્યો. એના મહેમાનો આવે ત્યારે એની સરભરામાં અમને લઇ જતો. અમે પણ આંખનું મટકુંય માર્યા વગર અર્ધી રાત સુધી એની સેવામાં હાજર રહેતા. શહેરના કહેવાતા ખ્યાતનામ લોકો અવારનવાર આવતાં. એમના પેગ બનાવવાનું કામ હું અને મારો ભાઈ કરતાં. ખાઈ ખાઈ પી પીને એ ડમ્મર થઇ જતાં. કેટલાક તો ત્યાં ઉલટીઓ પણ કરે એ બધું હું અને મારો ભાઈ સાફ કરી નાંખતા. પછી તો બે માસમાં હું એ સમાજકારણીનો ખાસ ફેવરીટ બની ગયો. પીવાનો માલ જે કબાટમાં રાખવામાં આવતો એની ચાવીઓ પણ મારી પાસે આવી ગઈ. પછી હું પણ છાનામાના બીજા કોઈને ખબર ન પડે એમ પીતા શીખ્યો. લોકો ગમે તેમ કહે ઘના પણ આખા દિવસનો થાક બે પેગમાં જ ઉતરી જતો.” થોડી વાર હકાભીખા રોકાયો અને ફરીથી વાત શરુ કરી.

“અને એક દિવસ અમારી બેય ભાઈની આશા ફળી. પાંચ લોકો અમારા સમાજકારણી શેઠ પાસે આવ્યાં. બહુ મોટી મોટી ગાડીઓ હતી એમની પાસે. રાત્રે પાર્ટી પૂરી કર્યા પછી શેઠે એક એક નાની સુટકેસ આપી અને બે કાળી ગાડીઓ જે સંસ્થાના કમ્પાઉન્ડમાં હતી એની ડીકીમાં એમાં એ સુટકેસ મુકવાનું કીધું.અમે બને ભાઈઓ ગયાં ડીકીઓ ખોલી અને અંદર સુટકેશ રાખી દીધી. પણ ગાડી મોટી હતી.ડીકી પણ મોટી હતી અને એક વિચાર મારા મનમાં ચમક્યો કે આ ડીકીમાં પાછળ બેસી જઈએ તો અહીંથી બહાર નીકળી શકાય. જોકે અમને જયારે સુટકેસ મુકવા ગયા ત્યારે તાકીદ કરી હતી કે ડીકીમાં સુટકેશ મુકીને બંધ કરી દેજો પણ અમે ડીકી ઉઘાડી જ રાખી હતી. સાથે લોખંડનો એક મોટો બે ફૂટનો સળીયો પણ બેય ડીકીમાં નાંખી દીધો. સંસ્થામાં બાંધકામ ચાલતું હતું એટલે ઠેર ઠેર આવા સળિયા પડેલા હતા. મારા ભાઈ છકાને મેં હિંમત આપીને તૈયાર કર્યો. પછી અમે સંસ્થાના મુખ્ય ગેઇટ આગળ ગોઠવાઈ ગયાં. ગેઈટની આગળ લીમડાના મોટા મોટા ઝાડ હતા એની થડની આડશમાં છુપાવું એકદમ સહેલું હતું.

કલાક પછી ગેઇટ પાસે ગાડીઓ આવી. સંતાતા અમે બેય ભાઈઓ ઝડપથી કારની ડીકી ખોલી અને અંદર બેસી ગયા. ચારે બાજુ ઘનઘોર અંધારું હતું એનો અમે બરાબર લાભ લીધો. ગાડીઓ સંસ્થામાંથી નીકળીને મેઈન રોડ પર આવી ગઈ હતી. મેં મારા ભાઈ છકાને કીધું હતું કે જ્યાં સુધી હું તને સાદ ન પાડું ત્યાં સુધી તું ડીકી ખોલીને બહાર આવતો નહિ. અને અંદર કદાચ બફારા જેવું થાય તો આ સળિયાની મદદથી ડીકી સહેજ ખોલી નાંખવી એટલે અંદર શ્વાસ લઇ શકાય. લગભગ પાંચેક કલાક સુધી ગાડીઓ સડસડાટ ચાલતી રહી પછી એક જગ્યાએ રોકાઈ. મેં હળવેકથી ડીકી ખોલી એક નાનકડી હોટેલ જેવું હતું. હું ફટાફટ સુટકેસ લઈને બહાર આવ્યો. મારા ભાઈને હળવેક થી સાદ કરીને એને ડીકીમાંથી બહાર કાઢ્યો. બેય સુટકેશ લઈને અમે રોડ સાઈડના એક ખાળીયામાં ભાગ્યા પછી ત્યાં. એક થોરના ઓથારે બેઠા હતા. એક કલાક સુધી ફફડતા હૈયે બેઠાં રહ્યા પછી અમે બે ય ભાઈઓ ખાળીયામાં ચાલતા રહ્યા. રોડની સાઈડ બને બાજુ ઊંચું ઊંચું લાપડા નામનું ઘાસ હતું એટલે કોઈને પણ અણસાર આવવો મુશ્કેલ હતો અને આમેય કાળી અંધારી રાત હતી. અને એકલ દોકલ વાહન સિવાય રોડ પર કોઈ ખાસ અવરજવર હતી નહિ. અમે કઈ જગ્યાએ હતા એનો પણ કોઈ ખ્યાલ નહોતો બસ સંસ્થામાંથી છૂટ્યા એનો આનંદ હતો. ઘણું બધું ચાલ્યા તરસ પણ લાગી હતી અને એક જગ્યાએ ખેતરમાં મકાન જેવું આવ્યું. અમે બને ભાઈઓ ત્યાં પહોંચ્યા. બે કાથીના ખાટલા પડ્યા હતા. પાણીનો ગોળો ભરેલો હતો. શીંગના પાથરા ખેતરમાં હતાં. એમાંથી શીંગ ખાધી અને પાણી પીધું અને અમે સુટકેસ ખોલી તો એમાં ઘણા કાગળિયાં હતા. બને સુટકેસમાં ૧૦૦૦ ની નોટના ત્રણ ત્રણ બંડલ હતાં. છકો એ મકાનમાં ફાંફા મારતો હતો, અચાનક એને દીવો અને બાકસ મળ્યું. મકાનના એક ખૂણામાં દીવો સળગાવ્યો અને પછી અમે પેલા કાગળિયાં બાળી નાંખ્યા અને એ તાપે અમે તાપ્યા. ખાતરની એક ખાલી કોથળીમાં બીજી બે ખાલી કોથળીઓ નાંખી અને પછી એક હજાર રૂપિયા એક બંડલમાંથી કાઢીને અમે છ એ છ બંડલ ખાતરની કોથળીમાં નાંખી દીધા અને ઉપર બીજી ત્રણ કોથળીઓ નાંખીને સુતળીથી એ કોથળીનું મો બંધ કરીને અમે અર્ધો કલાક સુતા અને પછી અમે ઝડપથી ખાળીયામાં જ ચાલવા લાગ્યા. દુરથી એક બસ આવતી હોય એમાં લાગ્યું. હું રોડ પર ચડ્યો તો આછા આછા અંધારામાં એક બસ આવતી દેખાણી. છકાને મેં સાદ પાડ્યો અને બસ સામે હાથ ઉંચો કર્યો બસની ઉપર બોર્ડ માર્યું હતું”

Image Source

“ રાજકોટ કોડીનાર”!!
હકા ભીખા વાત કરતો જ હતો ત્યાં દેગામાં આવ્યો અને હકા ભીખા મૌન થઇ ગયો. અને ઘનાને ઉદેશીને કહ્યું.
“ આર ડી ઝાલા સાહેબ તને બોલાવે છે” એમ કહીને ઘનશ્યામ પરબતની કોટડીનું મજબુત તાળું ખોલ્યું અને ઘનશ્યામ પરબત બહાર આવ્યો. એણે હકા ભીખાની સામે જોયું અને હકા ભીખાએ અંગુઠાની મદદથી ઈશારો કર્યો. અને જેવી મલપતી અને લટકતી ચાલે દેગામાં આવ્યો હતો એવી જ ચાલે એ ઘનશ્યામ પરબતને લઈને જતો રહ્યો કોટડીના મજબુત સળિયા પકડીને હકા ભીખા એ બેયને જતા જોઈ રહ્યોં!! ( વધુ આવતા ભાગમાં)

*************ભાગ ચાર પૂર્ણ ******************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 5ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.