રાજુલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ : નોનવેજ સાથે દૂધનો હલવો ખાતા 200થી વધુ લોકો બિમાર, 15 બાળકો પણ સામેલ

ગુજરાતમાંથી કેટલીકવાર કોઇ પ્રસંગમાંથી ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં અમરેલીના રાજુલાના ડુંગર ગામેથી આવી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો 2500 ઉપરાંત વધુ લોકોએ ખાધો હતો અને અત્યાર સુધી 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા તેમને અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ડુંગર ગામે મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો અને આ દરમિયાન રફીકભાઈ ઝાખરાના ઘરે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. લગ્ન પ્રસંગ દરમિયાન ભોજનમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 2500થી 3000 લોકોએ આ ભોજન ખાધુ હતું.

જેમાંથી હાલ 15 બાળકો સહિત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ફૂડ પોઈઝનિંગની ઘટના નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવામાંથી થઈ હોવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ તો આ મામલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

ઘટનાને પગલે રાજુલા, સાવરકુંડલા અને મહુવા અસપાસની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે તેમજ આજુબાજુની સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. એવું જણાવાઇ રહ્યુ છે કે અસરગ્રસ્તોનો આંકડો હજુ પણ વધી શકે છે.

Shah Jina