પોતાની મરજીથી લગ્ન કરવા પર જીવિત દીકરીનો મૃત્યુ ભોજ, માં-બાપે આવું કરવાનું જણાવ્યુ કારણ
Viral Condolence Letter News : જ્યારે દીકરીએ ભાગીને પ્રેમી સાથે લવ મેરેજ કર્યા તો માતા-પિતાએ પોતાની જ દીકરીને ઓળખવાનો ઇનકાર કરી દીધો. પિતા પુત્રીના પ્રેમ લગ્નથી એટલા ભાંગી પડ્યા હતા કે તેમણે પુત્રીનો શોક સંદેશો છપાવી દીધો. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાંથી આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનું રતનપુરા ગામ છે. પોલીસ સ્ટેશન લાગે છે હમીરગઢ. ગામના ભૈરુલાલ લાઠી અને તેમની પત્ની હેમલતાએ નજીકના દંથલ ગામના રહેવાસી કમલેશ સાથે પુત્રી પ્રિયા જાટની સગાઈ કરી હતી.
પણ બાદમાં બંને પરિવારો વચ્ચે થોડો વિવાદ થયો અને લગ્ન તૂટી ગયા. આ પછી માતા-પિતાએ તેમની પુત્રી પ્રિયા માટે બીજા સંબંધો શોધવાનું શરૂ કર્યું. પણ દીકરીએ તો ભણવું છે તેમ કહી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. તેને કમલેશ સાથે પ્રેમસંબંધ હતો. રિપોર્ટ અનુસાર, ગયા મહિને તે બેંકના કામના બહાને ઘરેથી નીકળી અને કમલેશ સાથે ભાગીને લગ્ન કરી લીધા. જે બાદ પરિવારે હમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રિયાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પ્રિયાને શોધી કાઢી પરિવારને બોલાવ્યો. બાદમાં પરિવારજનોની હાજરીમાં તેની સાથે વાત કરી હતી. આ દરમિયાન પ્રિયાએ તેના પરિવારના સભ્યોને ઓળખવાની સ્પષ્ટ ના પાડી દીધી અને તેના બોયફ્રેન્ડ સાથે ચાલી ગઈ. આનાથી પ્રિયાના પિતા ખરાબ રીતે ભાંગી પડ્યા હતા. તેમણે પરિવારજનોને કહ્યું કે અમારી દીકરી મરી ગઈ છે. પિતાએ પુત્રીનો શોક સંદેશ છપાવ્યો. જે બાદ હવે આ શોક સંદેશ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
હમીરગઢ થાનાપ્રભારીએ જણાવ્યું કે 15 દિવસ પહેલા પ્રિયાના પિતાએ પુત્રીના ગુમ થયાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં નોંધાવી હતી. બીજી બાજુ તેના બોયફ્રેન્ડના ગુમ થયાની ફરિયાદ ભીલવાડાના સદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. યુવતીની તેના પ્રેમી સાથે પહેલા સગાઈ તૂટી ગઈ હતી પણ તે તેની સાથે રહેવા માંગતી હતી. આથી તે તેની સાથે ભાગી ગઇ અને લગ્ન કરી લીધા.
પ્રિયાને શોધી કાઢ્યા બાદ પોલીસે તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા. ત્યાં યુવતીએ તેના માતા-પિતાને ઓળખવાની ના પાડી અને તેના પ્રેમી સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારથી તેમના પરિવારના સભ્યો નારાજ થયા અને દીકરીનો શોક સંદેશ છપાવીને સમાજમાં વહેંચ્યો. તેઓ કહે છે કે અમારી દીકરીએ અમને ઓળખવાની ના પાડી ત્યારથી તે અમારા માટે મરી ગઈ છે.