એક ઝાટકામાં પરિવાર ખત્મ, નેપાળ પ્લેન ક્રેશમાં ક્રૂ મેંબર સાથે પત્ની અને દીકરાએ પણ ગુમાવ્યો જીવ
નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 24 જુલાઇ બુધવારે સવારે એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા. કાઠમંડુથી પોખરા 19 લોકોને લઈને જઈ રહેલું સૌર્ય એરલાઈન્સનું વિમાન ટેકઓફના તરત બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પ્લેનમાં કુલ 19 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક પાયલટ જ બચી શક્યો. પાયલટને પણ ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જેની સારવાર ચાલી રહી છે.
હવે એ વાત સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. એરલાઇન્સે જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ફ્લાઇટ મેંટેનેંસ સ્ટાફ મનુ રાજ શર્મા તેમની પત્ની પ્રિજા ખતિવડા અને ચાર વર્ષના દીકરા અધિરાજ શર્મા સાથે યાત્રા કરી રહ્યા હતા, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું મોત થયુ છે. નિવેદન અનુસાર, પ્રિજા પણ સરકારી કર્મચારી હતી અને ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.
જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં જેણે જીવ ગુમાવ્યા છે તેમાંથી 17 લોકો સૌર્ય એરલાઈન્સના સ્ટાફ હતા. આ ક્રેશમાં 37 વર્ષીય કેપ્ટન એમ આર શાક્યનો જીવ બચી ગયો છે અને તેને ક્રેશ સાઇટથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. આ વિમાનને સમારકામ માટે લઈ જવામાં આવી રહ્યું હતું.
એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ટેકઓફ થયું અને રનવે 20 પર જ ક્રેશ થયું. નેપાળમાં પ્લેન ક્રેશનો આ કોઈ નવો મામલો નથી. રિપોર્ટ અનુસાર નેપાળમાં છેલ્લા 30 વર્ષમાં લગભગ 28 પ્લેન અકસ્માતો થયા છે. આ પહેલા વર્ષ 2023ની શરૂઆતમાં એક પ્લેન ક્રેશમાં 68 લોકોના મોત થયા હતા.