જામખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં પરિવારના 3 સભ્યોનાં મોત, એકસાથે અર્થી ઉઠતાં ગમગીની છવાઈ
રાજ્યમાં અનેક જિલ્લાઓ અને વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે, ત્યારે આ વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલ રાજડા રોડ ગગવાણી ફળી ખાતે એક મકાન જર્જરિત થયું અને આ ઘટનાને પગલે એક વૃદ્ધા તેમજ તેમની બે પૌત્રીઓ દટાઈ ગયા. જો કે તેમને બહાર કાઢવા મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતું. પરંતુ 6 કલાકની મહામહેનત બાદ દાદી-પૌત્રીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં.
ત્યારે ગત રોદ દાદી-પૌત્રીઓની એકસાથે અંતિમયાત્રા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ખંભાળિયાના મુખ્ય બજાર પાસે રાજડા રોડ પર આવેલ ગગવાણી ફળી વિસ્તારમાં આશરે સવા સદી જૂના મકાનમાં દલવાડી પરિવારના 11 સભ્યો રહેતા હતાં. બે-ત્રણ દિવસથી વરસતા અવિરત વરસાદને પગલે જર્જરીત મકાનમાં બપોરે લાકડાના આડસરનો ભાગ તૂટી પડયો અને આ પછી પરિવારજનો દ્વારા તેને રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી.
આ દરમિયાન જ્યારે સાંજે મહિલાઓ, બાળકો અને પુરૂષો ઘરે હતા ત્યારે પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો અને આ દુર્ઘટનામાં 7 સભ્યોમાંથી 4 સભ્યો બહાર નીકળી ગયા જ્યારે 7 વર્ષની એક બાળકીને નાની મોટી ઈજાઓ થઇ. આ બાળકીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. જ્યારે 65 વર્ષિય કેસરબેન જેઠાભાઈ કણજારીયા, 19 વર્ષિય પાયલ અશ્વિનભાઈ કણજારીયા અને 13 વર્ષિય પ્રીતિ અશ્વિનભાઈ કણજારીયા દટાઇ ગયા.
આ ત્રણેયને બહાર કાઢવા નગરપાલિકા બાદ મોડી સાંજે NDRFની ટીમ પણ આવી પહોંચી હતી. જો કે, દુર્ઘટનાના લગભગ 6 કલાક બાદ ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા. રેસ્ક્યુ ઓપરેશનમાં પહેલા રાત્રે 10.30 વાગ્યે કેસરબેન અને 11.30 વાગ્યે પ્રીતિના મૃતદેહ મળ્યા જ્યારે આશરે 12.15 વાગ્યે પાયલનો નિષ્પ્રાણ દેહ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો. ત્યારે ગત રોજ ત્રણેયની અંતિમયાત્રા એકસાથે નીકળતા ગમગીની ફેલાઇ હતી.