વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેર આખુ પાણી પાણી- જનજીવન થંભ્યુ

મેઘરાજાએ વડોદરામાં ગઈકાલે ધમાકેદાર બેટિંગ કરી, જેને પગલે શહેર આખુ પાણી પાણી થઈ ગયું. સાડા તેર ઈંચ જેટલો વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી. જેને કારણે નદીમાં રહેલા મગરોનો ડર હવે લોકોને સતાવી રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 26 ફૂટ છે.

ભારે વરસાદને કારણે વડોદરામાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. ગઈકાલે સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી એટલે કે 12 કલાકમાં 13 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ હતું. જો કે, તંત્ર દ્વારા ઈમરજન્સી કંટ્રોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. મંગળવાર સુધી વિશ્વામિત્રી નદીની સપાટી નીલ હતી જ્યારે બુધવારે અચાનક વરસાદ ખાબકતા નદીની સપાટી વધીને 27 ફૂટે એટલે કે ભયજનક પહોંચી છે.

જો નદીની સપાટી 28 ફૂટ પર આવશે તો મંગલપાંડે બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. ભારે વરસાદને પગલે કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ઘૂસી ગયા હતા. આકોટા ગામની ઝુપડપટ્ટીના 50 મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયું અને ગાંધી ચોકના પણ 50 જેટલા મકાનો પાણી પાણી થઇ ગયા છે.

વિશ્વામિત્રી નદીની સપાટી વધવાને કારણે મગરો બહાર નીકળી રહ્યા છે. ફતેગંજ નરહરિ હોસ્પિટલ બહાર રાત્રે લગભગ 2 વાગ્યા આસપાર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. જો કે તેનું રેસ્ક્યૂ કરાઇ તેને ફરી નદીમાં છોડાયો હતો.

Shah Jina