ભાવનગરમાં ચાલુ બસે જ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, એક પછી એક ત્રણ વાહનોને કચડીને બસ સીધી ગાડીઓના શોરૂમમાં ઘુસી, વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના ગમખ્વાર અકસ્માતના કારણે મોત પણ થઇ જાય છે તો ઘણા લોકો આવા અકસ્માતમાં ઘાયલ પણ થઇ જતા હોય છે, ત્યારે હાલ ભાવનગરમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારા અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બસના ડ્રાઈવરને ચાલુ બસમાં જ હાર્ટ એટેક આવતા જ ભીષણ અકસ્માત સર્જાયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં વહેલી સવારે સુરતથી અવધૂત ટ્રાવેલ્સની બસ પેસેન્જર ભરીને આવી રહી હતી. તે દરમિયાન જ દેસાઈ નગર પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ બસના ડ્રાઈવરને અચાનક હૃદય રોગનો હુમલો થયો હતો. ચાલુ બસે જ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેને બસ પરનો પોતાનો કાબુ ગુમાવી દીધો હતો અને પછી બસ બે વાહનોને અડફેટમાં લઈને સીધી જ મારુતિ કારના શોરૂમમાં ઘુસી ગઈ હતી.

આ ઘટનાને લઈને બસમાં બેઠેલા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ સદનસીબે મુસાફરોને કોઈ નુકશાન થયું નહોતું, આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવરનો જીવ ચાલ્યો ગયો હતો. આ ઘટના વહેલી સવારે બની હોવાના કારણે રોડ પર પણ વાહનોની અવર જવર ખુબ જ ઓછી હતી જેના કારણે મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ હતી, આ અકસ્માતમાં બસને પણ ખાસું નુકશાન થયું છે. ઉપરાંત શોરૂમ અને ગાડીઓને પણ નુકશાન પહોંચ્યું છે.

અકસ્માતની જાણ થતા જ રાહદારીઓ અને વાહન ચાલકો પણ બચાવ માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને પોલીસને પણ જાણ કરી હતી. જેના બાદ ડી ડિવિઝન પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી. બસના ડ્રાઈવરના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

Niraj Patel