નદીના પૂરમાં તણાવા લાગ્યો કૂતરો, વીડિયોમાં જુઓ સાથી કૂતરાએ કેવી રીતે બચાવ્યો જીવ

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાથી જન જીવન પ્રભિવત થયું છે. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે તો કરોડો રુપિયાના માલ સામાનનું નુકશાન પણ થયું છે. આ દરમિયાન કેટલાક એવા દ્રશ્યો પણ જોવા મળ્યા જેને જોઈને તમને અંદરથી આનંદની લાગણી થાય.

ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા સરકારી તંત્રથી લઈને સામાન્ય લોકોએ એકબીજાની મદદ કરી. જેના અનેક વીડિયો સામે આવ્યા છે. પરંતુ આજે અમે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે અનોખી છે. કારણ કે માણસો તો એક બીજાને મદદ કરતા જ હોય છે પરંતુ એક કૂતરાએ બીજા કૂતરાનો જીવ કેવી રીતે બચાવ્યો તેનો વીડિયો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. આમ પણ કહેવાય છે ને કે જીવનમાં એક મિત્ર એવો અવશ્ય રાખો જે તમારી દરેક પરિસ્થિતિમાં સાથે આવીને ઉભો રહે. આવી મદદ કરી એક કૂતરાએ, જ્યાં પોતાના જીવના જોખમે પાણીમાં તણાતા તેમના સાથીને બચાવ્યો.

આ વીડિયોને લાઈફ એન્ડ નેચર નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારે વ્યૂ મળી ચૂક્યા છે. સાથે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને રિટ્વિટ પણ કર્યું છે. આ વીડિયોમાં તમે જોશો કે કોઈ જગ્યાએ નદીમાં પાણી તેજ ગતિએ વહી રહ્યું છે, એવું લાગે છે કે, પૂરના કારણે નદી ગાંડીતુર બની છે. આ જ નદીમાં એક કૂતરો તણાવા લાગે છે.

કૂતરો પાણીમાંથી બહાર નિકળવાની ખુબ કોશીશ કરે છે પરંતુ તે સફળ થઈ શકતો નથી. આ દરમિયાન તેને એક લાકડાનો કટકો જોવા મળે છે અને તેને મોઢામાં પકડી લે છે. જો કે તે નદીના પ્રવાહમાં તણાતો જાય છે. આ દરમિયાન તેના સાથી કૂતરાની નજર તેના પર પડે છે. આ કૂતરો બહુ હોશિયાર હતો તેથી તે, નદીના કિનારે આગળ જઈને ઉભો રહી ગયો અને તેના સાથીના આવવાની રાહ જોવા લાગ્યો. પછી શું….જેવો પાણીમાં ડૂબી રહેલો કૂતરો તેની નજીકથી પસાર થયો ત્યારે તરત જ કાંઠે ઉભેલા કૂતરાએ ડૂબતા કૂતરાના મોઢામાં રહેલા લાકડાના કટકાને પકડી લીધો અને કિનારે ખેંચી લીધો. આમ આ કૂતરાની સમજદારીએ પોતાની સાથીનો જીવ બચાવ્યો.

YC