ખબર

વાહ આ ડોક્ટરે તો સાચે જ કમાલ કરી નાખ્યો, મહિલાના હાથ પર ઉગાવ્યું નાક અને પછી ચહેરા પર કર્યું ટ્રાન્સપ્લાન્ટ, જુઓ તસવીરો

મેડિકલ સાયન્સ કેટલું આગળ વધી ગયું છે તેનું એક જોરદાર ઉદાહરણ, ડોક્ટરોએ મહિલાના હાથ પર નાક ઉગાડીને ચહેરા પર કર્યું ટ્રાન્સપ્લાન્ટ, જુઓ કેવી રીતે

આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી રહી છે. તો સાયન્સ અને મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણા બદલાવ થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણી એવી એવી શોધ પણ થઇ હોય જેની ક્યારેય માણસે કલ્પના પણ નહોતી કરી. ત્યારે આવી જ શોધ અને આવિષ્કારના ઘણા બધા વીડિયો અને કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. (Images Courtesy- CHU de Toulouse/ Facebook)

ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ફ્રાન્સમાં સર્જનો દ્વારા એક નવું કારનામુ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે એક સ્ત્રીના હાથ પર તેનું નાક ઉગાડ્યુ અને તેને ચહેરા પર ટ્રાન્સપ્લાન્ટ કર્યું. હાથ પર નાક ઉગાડ્યા પછી, તેને ચહેરા પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મહિલાએ 2013માં રેડિયોથેરાપી અને કીમોથેરાપીથી કેન્સરની સારવાર દરમિયાન તેના નાકનો એક ભાગ ગુમાવ્યો હતો.

જેના બાદ તેણે પોતાનું નાક પાછું મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ હવે સર્જનોની અભૂતપૂર્વ તબીબી પ્રક્રિયા પછી, તેને તેનું નાક પાછું મળ્યું છે જેના માટે તેણે ડૉક્ટરોનો આભાર માન્યો છે. ઇવનિંગ સ્ટાન્ડર્ડ અનુસાર કોમલાસ્થિને બદલવા માટે 3D-પ્રિન્ટેડ બાયોમટીરિયલથી બનેલું કસ્ટમ નાક તેના માટે બનાવવામાં આવ્યું હતું અને પછી આગળનો ભાગ કાપીને તેના ચહેરા પર ફીટ કરવામાં આવ્યો હતો.

ડોકટરોએ તેના પોતાના હાથ પર તેનું નાક ઉગાડ્યું અને પછી નાકને ઢાંકવા માટે ચામડીની કલમનો ઉપયોગ કર્યો. બે મહિના સુધી નાકને હાથ પર વધવા દેવામાં આવ્યું. પછી તેના ચહેરા પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તુલોઝ યુનિવર્સિટી હોસ્પિટલ (CHU) એ હાથ પર વધતા નાકની તસવીરો ફેસબુક પર શેર કરી છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે મંગળવારે મહિલાના ચહેરા પર નવું નાક સફળતાપૂર્વક કલમ કરવામાં આવ્યું હતું. ડોકટરોએ પોસ્ટ કર્યું કે ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું. બે મહિનાની મહેનત બાદ આખરે ઉગી ગયેલું નાક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.