IAS કોચિંગ સેન્ટરની દુર્ઘટના: ભોંયરામાં 3 વિદ્યાર્થીઓના મોત, આખું ભોંયરું પાણીથી ભરાતાં લાઈટો ગઈ, દોરડા ન દેખાયાં

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં RAU નામના IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં ચાલતી લાઈબ્રેરીમાં અચાનક પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા. ભારે વરસાદને કારણે ભોંયરામાં પાણી ભરાયું, જ્યાં તે સમયે લગભગ 35 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. સાથી વિદ્યાથીના મોતથી નારાજ વિદ્યાર્થીઓ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ધરણા પર બેઠા છે અને દિલ્હી સરકાર, MCD અને કોચિંગ સેન્ટર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હજુ સુધી આ અકસ્માત અંગે કોચિંગ સેન્ટર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે માત્ર 10 મિનિટમાં આખું ભોંયરું ભરાઈ ગયું અને વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. કરંટથી બચવા માટે વિસ્તારની લાઈટો બંધ કરી દેવામાં આવી, જેના કારણે અંધકાર છવાઈ ગયો. બચાવ કાર્ય દરમિયાન ફેંકવામાં આવેલા દોરડા પણ વિદ્યાર્થીઓને દેખાતા નહોતા. કોચિંગ સેન્ટરની અંદરનું પાણી એટલું ગંદું હતું કે વિદ્યાર્થીઓને કંઈ દેખાતું નહોતું.

મૃતકોમાં તેલંગાણાની 25 વર્ષીય તાન્યા સોનીનો સમાવેશ થાય છે. તેનો પરિવાર મૂળ બિહારનો છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી તેલંગાણાના સિકંદરાબાદમાં રહેતો હતો. તાન્યાના પિતા સિંગરેની કોલસાની ખાણમાં મેનેજર હતા. તાન્યાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે બિહારના ઔરંગાબાદ લઈ જવામાં આવશે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ તાન્યાના પિતા વિજય કુમાર સાથે વાત કરી શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિલ્હીમાં તેમની ઓફિસને તમામ બાકી ઔપચારિકતાઓ ઝડપથી પૂરી કરવા માટે પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આ દુર્ઘટનામાંથી બચી ગયેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેઓ મુશ્કેલીથી પાણીમાંથી રસ્તો કરીને બહાર નીકળ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

આ દુર્ઘટના IAS અભ્યાર્થીઓ માટે એક ચેતવણી છે કે તેઓ પોતાની સુરક્ષા પ્રત્યે સજાગ રહે અને કુદરતી આપત્તિઓ દરમિયાન સાવચેતી રાખે.

YC