રાજ્યમાં દિવસેને દિવસે વકરતાં કોરોનાથી રહેજો સાવધાન..કોરોનાના નવા 170 કેસ નોંધાયા..રાજ્યમાં કોરોનાના હાલ કુલ 717 એક્ટિવ કેસ..
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કહેર મચાવ્યો છે. અમદાવાદ બાદ રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરૂષ પોઝિટિવ છે. અમદાવાદના દર્દીઓમાં કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે. 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હીની હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે, જેને પગલે કુલ સક્રિય કેસોની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ થયું છે.
હાલમાં રાજ્યમાં કેસની વાત કરી તો ભાવનગર જિલ્લામાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે.મહેસાણા જિલ્લામાં પણ 6 નવા કેસ સામે જ્યારે હિંમતનગરમાં કોરોનાના 2 નવા કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગર મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજ્યમાં કુલ 717 સક્રિય કેસ પૈકી 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, આ મામલાઓમાં મોટાભાગના દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઈ રહ્યા છે. તબીબો દ્વારા લોકોને કોવિડ 19ના નિયમોનું પાલન કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના ઘર નજીક આવેલા અન્ય પરિવારોની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય.
વધુમાં, જણાવાયું છે કે ગ્લોબલ બર્ડન ઓફ રિસર્ચ કેન્દ્ર (GBRC) દ્વારા કરાયેલા જીનોમ રિસર્ચમાં JN.1, LF.7, 7.9 અને XFG Variant જોવા મળ્યા છે. WHO દ્વારા આ વેરિઅન્ટ્સને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય રીતે આ વેરિઅન્ટ્સને કારણે ગંભીર બીમારી કે હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત ઓછી જોવા મળી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને સાવચેતી રાખવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.