આસારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવી મનોજ બાજપેયીની ફિલ્મની રિલીઝ રોકવાની નોટિસ, કહ્યું, “આસારામના સમર્થકો ગુસ્સે થઇ જશે અને…”
Ek Banda Kaafi Hai Controversy : બોલીવુડની ઘણી ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં આવી જતી હોય છે અને ફિલ્મોનો વિરોધ પણ જોરશોરથી થતો હોય છે. ફિલ્મનું ટ્રેલર કે પોસ્ટરને લઈને ઘણા લોકો વિવાદમાં કૂદી પડતા હોય છે. ત્યારે હાલ અભિનેતા મનોજ બાજપેયીની એક એવી જ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ સર્જાયો છે.
મનોજ બાજપેયીની ફિલ્મ “સિર્ફ એક બંદા કાફી હૈ” નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને મંગળવારે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ સંત શ્રી આસારામ જી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવી છે, જેમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સેન્સર બોર્ડને ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી છે.
અપૂર્વ સિંહ કાર્કી દ્વારા દિગ્દર્શિત, “સિર્ફ એક બંદા કાફી હૈ”માં મનોજ બાજપેયી પીસી સોલંકીની ભૂમિકામાં છે, જેમણે સગીર છોકરીને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લાંબી કાનૂની લડાઈ લડી હતી. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક આધ્યાત્મિક ગુરુ પર એક બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ છે અને તેની POCSO એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
મનોજ જે વકીલ બને છે, કોર્ટમાં સગીર માટે લડે છે અને પ્રક્રિયામાં ઘણું સહન કરે છે. આ ફિલ્મ 23મી મેના રોજ ZEE5 પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે. એડવોકેટ સત્ય પ્રકાશ શર્મા દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમના (આસારામ) માટે રાવણ અને બળાત્કારી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેમના ધાર્મિક પાત્રનું અપમાન છે.
ફિલ્મની રજૂઆતથી દેશ અને વિદેશમાં મારા ક્લાયન્ટની છબી ખરાબ થશે, જે અનુયાયીઓ અને સમર્થકોને ગુસ્સે કરી શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સજા વિરુદ્ધ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે અને ફિલ્મ મારા ક્લાયન્ટની ગોપનીયતાને અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આસારામ બાપુ રેપ કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.
View this post on Instagram
કો-પ્રોડ્યુસર આસિફ શેખે નોટિસની પુષ્ટિ કરતા કહ્યું કે અમારી લીગલ ટીમ તેનો જવાબ આપશે. અમે એડવોકેટ પીસી સોલંકીની બાયોપિકના રાઇટ્સ મેળવી લીધા છે. આ તેની બાયોપિક ફિલ્મ છે. નોટિસની નકલ નિર્માતા વિનોદ ભાનુશાલી, મનોજ બાજપેયી, ઝી સ્ટુડિયો, નિર્દેશક અપૂર્વ સિંહ કાર્કીને પણ મોકલવામાં આવી છે.