સોનિયા ગાંધી કોંગ્રેસ સ્થાપના દિવસ ઉપર ઝંડો ફરકાવવા ગયા તો ઝંડો સીધો જ તેમના હાથમાં આવી ગયો, વાયરલ થયો વીડિયો

દેશની સૌથી જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસ આજે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ અહીં ધ્વજવંદનનો કાર્યક્રમ બરાબર થયો નહિ.

કોંગ્રેસના 137માં સ્થાપના દિવસના અવસર પર સોનિયા પાર્ટી ઓફિસ પહોંચી હતી. જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીના ઝંડાની દોરી ખેંચી ત્યારે એક કાર્યકર પણ ત્યાં હાજર હતો. તેણે ઝંડો ફરકાવવા સોનિયા ગાંધીને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝંડો સોનિયા ગાંધી ઉપર આવીને પડી ગયો. આ ઘટનાથી ત્યાં હાજર તમામ કોંગ્રેસીઓ ચોંકી ઉઠ્યા હતા. આ પછી એક મહિલા કાર્યકર દોડી આવી અને તેણે પણ ઝંડાને ફરકાવવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વ્યર્થ રહ્યો.

જેના બાદ કાર્યક્રમમાં હાજર રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને ઝંડો ફરકાવવાનું કહ્યું. પછી એક કાર્યકર આવ્યો અને ઝંડા સાથે ખૂબ ઊંચા પોલ પર ચઢી ગયો, પરંતુ તે ફક્ત અડધા રસ્તે જ જઈ શક્યો. પછી અન્ય એક કાર્યકર આવ્યો, જેણે ઝંડો બાંધવાનો પ્રયાસ કર્યો. બાદમાં નિસરણી પણ મંગાવવામાં આવી હતી.

અંતે સોનિયા ગાંધીએ તેમના હાથેથી જ કોંગ્રેસનો ઝંડો ફરકાવ્યો. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન સોનિયા ગાંધી સહેજ પણ વિચિલતી થતા જોવા મળ્યા નહોતા, તેઓ ખુબ જ શાંત રહ્યા. કોંગ્રેસના સ્થાપના દિવસ પર સોનિયા ગાંધીએ પણ દેશ અને તેમના કાર્યકરોને સંદેશ આપ્યો હતો.

સ્થાપના દિવસ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, “ગંગા-જમના એ આપણો વારસો છે તેને અને આપણી ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશનો દરેક નાગરિક અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યો છે. લોકતંત્ર અને બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમયે હવે કોંગ્રેસ ચૂપ ના રહી શકે.”

Niraj Patel