ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક નિધન : બોલિવુડના આ દિગ્ગજ કલાકાર અને મશહૂર કોમેડિયનનું નિધન, શોલે સહિત અનેક ફિલ્મોમાં કર્યુ હતુ કામ

વર્ષ 2021 મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે ઘણુ દુખદ રહ્યુ છે. આ વર્ષે બોલિવુડે ઘણા કલાકારો ગુમાવ્યા છે. ત્યારે હવે ફરી એક વાર વર્ષ પૂરુ થતા પહેલા બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને મશહૂર કોમેડિયન મુશ્તાક મર્ચન્ટનું સોમવારે એટલે કે 27 ડિસેમ્બરના રોજ 67 વર્ષની ઉંમરે અવસાન થયું હતુ. મુશ્તાક મર્ચેંટે મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડિત હતા. તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

મુશ્તાક મર્ચેંટે ‘હાથ કી સફાઈ’, ‘જવાની દીવાની’, ‘સીતા ઔર ગીતા’, ‘ફિફ્ટી ફિફ્ટી’, ‘સાગર’, ‘નસીબ વાલા’, ‘પ્યાર હુઆ ચોરી ચોરી’, ‘બલવાન’ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે ‘હમશકલ્સ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1975માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’માં પણ કામ કર્યું હતું. પરંતુ, ફિલ્મની લંબાઈને કારણે તેમના રોલના સીન કાપવામાં આવ્યા હતા.

મુશ્તાક મર્ચન્ટે ‘શોલે’માં બે ભૂમિકાઓ ભજવી હતી, એક ટ્રેન ડ્રાઇવર તરીકે અને બીજી જેમાં જય અને વીરુએ આઇકોનિક ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ પહેલાં તેની મોટરસાઇકલ ચોરી લીધી હતી. આ સિવાય તેમણે ફિલ્મો પણ લખી હતી. જેમાં ‘પ્યાર કા સાયા’, ‘લાડ સાહબ’, ‘સપને સાજન કે’, ‘ગેંગ’ સામેલ છે.

મુશ્તાક મર્ચન્ટને સાતમા ધોરણથી અભિનયનો શોખ હતો. તેમણે શાળામાં હજામત નામના નાટકમાં ડબલ રોલ કર્યો હતો. જે બાદ તે અભિનય તરફ વળ્યા હતા. તે પછી તેમણે લખવાનું પણ શરૂ કર્યું. તેમને મુંબઈની ઓલ ઈન્ડિયા ઈન્ટરકોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.આટલું જ નહીં, ત્રણ વર્ષ માટે તેને બેસ્ટ રાઈટર અને ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ બધી વાતો તેમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

તમને જણાવી દઈએ કે એક્ટર અને કોમેડિયન હોવા ઉપરાંત મુશ્તાક લેખક પણ હતા. તેમણે ‘પ્યાર કા સાયા’ની પટકથા અને ‘સપને સજન કે’ના સંવાદો લખ્યા હતા. મુશ્તાકે લગભગ 16 વર્ષ પહેલા એક્ટિંગ છોડી દીધી હતી. અભિનય છોડ્યા પછી, તેઓ સૂફી બન્યા અને પોતાને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખ્યા.

Shah Jina