સિગ્નલ ઉપર ઉભેલી કારમાંથી ડોકિયું બહાર કઢીની ઉભી હતી આ બાળક, સિગ્નલ ખુલતા જ કાર ચાલી અને બાળક રસ્તા ઉપર નીચે પટકાયુ, ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો

નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, પરંતુ ઘણીવાર તે એવી એવી હરકતો કરતા હોય છે જેના કારણે માતા પિતાના જીવ પણ તાળવે ચોંટી જતા હોય છે. તો ઘણીવાર માતા પિતા પણ કેટલાક કામમાં એવા મશગુલ થઇ જાય છે કે બાળકોનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જાય છે અને નાના બાળકો દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળક માતા પિતાની ગેરકાળજીના કારણે દુર્ઘટનાનો ભોગ બને છે.

આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે ચીનમાંથી. વીડિયોમાં એક બાળક રરેડ સિગ્નલ પર ચાલતી કારમાંથી નીચે પડતું જોઈ શકાય છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે ડ્રાઈવર બાળકને ઉપાડવા માટે કાર પણ રોકતો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ચીનના નિંગબો શહેરની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ બત્તી પર અનેક કાર રોકાઈ છે. સફેદ રંગની કારની બારીમાંથી એક બાળક લટકતું જોવા મળે છે. દરમિયાન ગ્રીન સિગ્નલ મળે છે અને ગાડીઓ ચાલવા લાગે છે. પરંતુ બાળક ત્યાં કારની બારીમાંથી નીચે પડી જાય છે.

સદનસીબે, રસ્તા પરથી પસાર થતા અન્ય લોકોની નજર બાળક પર છે. કેટલાક લોકો પોતાના વાહનો રોકીને બાળક તરફ દોડે છે. એક માણસ બાળકને ઉપાડે છે અને તેને રસ્તાની બાજુએ લઈ જાય છે. આ રીતે બાળક મોટા માર્ગ અકસ્માતમાંથી બચી જાય છે.મીડિયા રિપોર્ટ અનુસાર બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતો. કારની બારીમાંથી નીચે પડી જતાં તેને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના ટ્રાફિક જંકશન પર લાગેલા સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો શેર થઈ રહ્યો છે.

વીડિયો જોયા બાદ યુઝર્સે બાળકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ આ ઘટનાને ચોંકાવનારી ગણાવી છે. યુઝર્સ કહે છે કે કોઈ આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે. કેટલાક લોકોએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે બાળકને જાણી જોઈને નીચે ફેંકવામાં આવ્યું છે. નહિ તો કાર ઉભી રહેવી જોઈએ.

Niraj Patel