હાલ તો સમગ્ર રાજય સહિત દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ઘણીવાર લગ્નમાંથી કેટલાક સમાચારો પણ સામે આવતા રહે છે. લગ્નમાંથી આ વર્ષે ઉનાળામાં ઘણા ફૂડ પોઇઝનિંગના મામલા પણ સામે આવ્યા છે. ત્યારે હાલમાં છોટા ઉદેપુરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નમાં જમણવાર બાદ 100થી પણ વધારે લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે. આ ઘટના પગલે હોસ્પિટલમાં અફરા તફરી મચી જવા પામી હતી. લગ્નના જમણવાર બાદ 100થી પણ વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ હતી અને તમામને સારવાર માટે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જો કે, વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર હોવાને કારણે બેડ ઓછા પડ્યા હતા અને તેને લઇને તેઓને જમીન પર સૂવડાવી સારવાર આપવામાં આવી હતી. મોડી રાત સુધીમાં હોસ્પિટલમાં જે લોકો સારવાર લઇ રહ્યા હતા તેમની સંખ્યા 150થી પણ વધુ હતી.ઘટનાની વિગત જોઇએ તો, વડોદરા ખાતેજી જાન છોટાઉદેપુર આવી હતી અને બપોરના લગ્નને લઇને જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. જો કે જમણવાર બાદ કેટલાક કલાકો પછી લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી અને તે બાદ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફૂડ પોઇઝનિંગને કારણે જોતજોતામાં જ સિવિલ ખાતે સ્ટાફ અને બેડ પણ ઓછા પડ્યા હતા. જયારે આ મામલે અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યાર બાદ અન્ય હોસ્પિટલોમાંથી પણ સ્ટાફને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલના લઇને છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યુ હતુ કે, 150ની આસપાસ કેસ આવ્યા છે. મોટાભાગના લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ છે. જો કે, કેટલાક લોકોને ચક્કરની પણ ફરિયાદ છે. દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ ઓછો પડતા વધારાના સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં મહંમદ પઠાણ ઉર્ફે ગબુભાઈના ત્યાં લગ્ન હતા. આ લગ્નને લઇને જાન વડોદરાથી આવી હતી. જો કે, લગ્નના જમણવારના કેટલાક કલાકો બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જણાઇ હતી અને જાનૈયાઓને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે તેવું સામે આવ્યુ છે. આ મામલાને લઇને છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચ્યા હતા અને તેને કારણે અહીં બેડ ખૂટી પડ્યા હતા. જો કે, કેટલાકને તાત્કાલિક સારવાર માટે સ્ટાફે જમીન પર સુવડાવ્યા હતા.