નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ ગરબે રમવા ઉત્સુક છે, તો બીજી તરફ કોરોના મહામારીના કારણે આ વર્ષે દરવર્ષની જેમ ગરબામાં રમઝટ નહીં જામે, પરંતુ આ નવરાત્રીમાં પણ ગાયકો અને સંગીત નિર્માતાઓ ખેલૈયાઓના મનપસંદ અને સાંભળીને જ પગ થિરકવા લાગે એવા ગરબા લઈને આવી ગયા છે.
ખુબ જ ઓછા સમયમાં ઘણી જ મોટી ખ્યાતિ મેળવનાર ગાયિકા સાંત્વની ત્રિવેદીના ગીતોની તો ચાહકો કાગડોળે રાહ જુએ છે ત્યારે આ નવરાત્રીમાં પણ રંગ જમાવતા ગરબા લઈને આવી છે. સાથે જ હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાનો મન મોહક અવાજ આપનાર ગાયક કીર્તિ સાગઠીયા સાથે આ વખતે સાંત્વનીની જુગલબંધી જોવા મળી રહી છે.
હાલમાં જ “છોગાળા રાસ”નામનો એક સરસ મઝાનો ખેલૈયાઓને તાલમાં ઝુમાવી દેતો ગરબો રજૂ થયો છે. આ ગરબામાં કીર્તિ સાગઠીયા અને સાંત્વની ત્રિવેદીએ પોતાના અવાજનો જાદુ વિખેર્યો છે.
આ ગરબાને સાંભળતા જ આપણા પગ પણ થિરકવા લાગી જાય છે. સરસ મઝાના સંગીત અને આરોહ અવરોહ સાથે રજૂ થયેલો આ ગરબો ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે.
નવરાત્રીમાં ખેલૈયાઓને તાલે ઝુમાવે એવા આ ગરબાના શબ્દો આપ્યા છે જૂઈ પાર્થે. તો આ ગરબો સાંભળીને આપણા પણ પગ થનગની ઉઠે એવું સંગીત આપ્યું છે નાઈઝલ ડીલમાં, હનીફ અસલમ, તેજસ વિનચુલકર, વેસ્ટર્ન કોરસ સિંગર ગ્વેન ડાયેસ ,અને રાયણ ડાયેસે. આ ગરબાને કમ્પોઝ કરવાનું કામ પણ કીર્તિ સાગઠીયાએ જ કર્યું છે.
“છોગાળા રાસ” ગીતની ખાસ વાતએ છે કે આ કોરોના મહામારીના કારણે આપણે બહાર નથી જઈ શકતા, પરંતુ દેશ-વિદેશના ગરબા રસિકો આ ગીતની અંદર સામેલ થયા છે. જે નિહાળવાનો પણ એક વિશિષ્ટ લ્હાવો છે.
ગરબા રસિકો આ વર્ષે નિરાશ ના થાય એ માટે કીર્તિ સાગઠીયા અને એમની ટીમે એક નિઃશુલ્ક સ્પર્ધાનું આયોજન સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યું હતું જેમાં આ ગીતનું એક સંગીત ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યું હતું. જેના કારણે ના ફક્ત ગુજરાત કે ભારત નહિ દેશ વિદેશમાં વસતા ગરબા પ્રેમીઓ પોતાના ઘરે જ અને પરિવાર સાથે જ પોતાના મોબાઈલ પર વિડીયો શૂટ કરીને ટીમ કીર્તિ સુધી પહોંચતા કર્યા હતા અને એમાંથી પસંદગી પામેલ વિડીયો આ ગીતમાં સંકળાયેલા છે.
તમામ લોકો આ ગીતને માણી શકે એ માટે ઓડિયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ઓફિશિયલ વિડીયો કીર્તિ સાગઠીયા ( Keerthi Sagathia ) યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. આ ગીતના વિડીયોમાં ૧૦૦થી વધુ લોકો એ ભાગ લીધો હતો અને એમાં ૩૫ થી ૪૦ જેવા વિડીઓનો સમાવેશ છે.
વિશેષ વાત એ છે ગરબા ગુજરાત સુધી સીમિત નહિ પરંતુ દેશ વિદેશ સુધી ગરબા પ્રેમીઓ વસેલા છે. યુગાન્ડા, યુકે, યુ.એસ.એ, કેનેડા જેવા અનેક દેશમાં વસતા પરિવારોએ આ સ્પર્ધામાં ભાગ લઇને પોતાની ગરબા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી છે .
તમે પણ નિહાળો આ ગરબાને નીચે ક્લિક કરીને, અને કોમેન્ટમાં જણાવો કેવો લાગ્યો !!!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.