“કદાચ મારા પિતા આજે આ જોવા માટે હયાત હોતા..” ભારતીય ટીમમાં પસંદગી થવા ઉપર છલકાયું ચેતન સાકરિયાનું દર્દ

કોરોના વાયરસના કારણે ચાલુ વર્ષે રમનારી આઇપીએલની 14મી સીઝન અધવચ્ચે જ બંધ કરવી પડી હતી. આ વર્ષની આઇપીએલમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળ્યા, જેમાં ગુજરાતનો હોનહાર ગેસ્ટ બોલર ચેતન સાકરીયા પણ હતો.

ચેતન આઇપીએલમાં રાજસ્થાન તરફથી ખરીદવામાં આવ્યો હતો. પોતાની શરૂઆતી મેચમાં જ તેને ખુબ જ શાનદાર પ્રદર્શન પણ કર્યું, અને તેના પ્રદર્શન દ્વારા તે સિલેક્ટરોની નજરમાં પણ આવી ગયો હતો. જેના બાદ આઇપીએલ તો બંધ થઇ પરંતુ ચેતનનું નામ ગુંજતું રહ્યું અને શ્રીલંકા પ્રવાસ માટે જઈ રહેલી ભારતીય ટીમમાં ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી.

ચેતન સાકરિયાએ થોડા સમય પહેલા પોતાના ભાઈને ગુમાવ્યો હતો અને ત્યારબાદ તેને પોતાના પિતાને પણ કોરોના વાયરસના કારણે ગુમાવ્યા હતા, જેનું તેને ખુબ જ દુઃખ હતું. ભારતીય ટીમની અંદર પસંદગી થવા ઉપર ચેતને પોતાના પિતાને યાદ કર્યા હતા. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેનો પિતા પ્રત્યેનો પ્રેમ અને તેમને ખોવાનું દુઃખ પણ છલકાયુ હતું.

ચેતને મડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “કદાચ મારા પિતા આ જોવા માટે અહીંયા હોતા. તે ઇચ્છતા હતા કે હું ભારત માટે રમું. મને આજે તેમની ખુબ જ યાદ આવે છે. ભગવાને મને એક જ વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ બતાવ્યા. આ અત્યાર સુધીની ખુબ જ ભાવનાત્મક સફર રહી છે.”

આ પહેલા ચેતને કહ્યું હતું કે, “હું ખુબ જ ભાગ્યશાળી છું કે મને રાજસ્થાન રોયલ્સ પાસેથી થોડા દિવસ પહેલા જ મારા ભાગના પૈસા મળ્યા. મેં એ પૈસા ઘરે ટ્રાન્સફર કરી દીધા. જે મારા પરિવારને આ મુશ્કેલ સમયમાં કામ લાગ્યા. જો મને મારા પિતાની સારવારમાં આ બધા જ પૈસા ખર્ચ કરવા પડતા તો પણ હું તૈયાર હતો. પરંતુ કોરોનાએ મારા પિતાનું જીવન છીનવી લીધું.”

ચેતન સાકરીયા શ્રીલંકા વિરુદ્ધ રમાનારી વન ડે અને ટી 20 સિરીઝમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે. ચેતનનું જીવન પણ ખુબ જ સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. તે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. રાજસ્થાનની ટીમ દ્વારા ચેતનને 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જેના બાદ હવે ભારતીય ટીમમાં તેની પસંદગી થવી એ તેના પરિવાર અને ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે.

ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રુચિ હતી. ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક છે અને માતા ગૃહિણી છે.

એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો રસ તેને ક્રિકેટ તરફ લઇ જતો અને તેના કારણે ઘણીવાર ખોટું બોલી અને તે શાળા છોડી ક્રિકેટ રમવા માટે પણ ચાલ્યો જતો હતો. આજે આઇપીએલ બાદ ચેતનની પસંદગી ભારતીય ટીમની અંદર થઇ છે તે ખુબ જ ગૌરવની વાત ગણાય છે. એક તરફ ચેતનના મનમાં તેના ભાઈ અને પિતાને ખોયાનું દુઃખ છે તો બીજી તરફ ભારતીય ટીમમાં પસંદગી થવાના કારણે તે ખુશ પણ છે.

શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમની અંદર શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દિપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયાની પસંદગી કરવામાં આવી છે.

Niraj Patel