ચાંદીપુરા વાયરસ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, આ વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં આ વાયરસને કારણે વધુ ત્રણ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી અને સુરતમાં 1-1 બાળકના મોત થયા છે. આ વાયરસથી મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે.
જણાવી દઇએ કે, સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષય બાળકીનું મોત થયુ છે. આ બાળકીની સિવિલ હોસ્પિટલના PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી પણ 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું. બાળકીમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેમ કે ઝાડા-ઉલટી, તાવ, માથાનો દુઃખાવો, ખેંચ વગેરે…
ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષનાં બાળકની તબિયત લથડતા ગત રોજ તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ રિપોર્ટ આવે એ પહેલાં જ તેનું 22 જુલાઈએ સારવાર દરમિયાન મોત નિપજ્યું. ગોંડલનાં રાણસીકી ગામના સરપંચ દ્વારા 1 બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા તરીકે સારવાર લઇ રહેલ દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થયું છે.