રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદના સાંગાવદર ગામમાં સોમવારે રાત્રે એક કાર તણાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો પરિવાર તણાયો હોવાની ઘટના સામે આવી છે. તેમજ કારમાં અનેક લોકો સવાર હતા, જેમાંથી તંત્ર દ્વારા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ 6 લોકો ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બોટાદમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકો ભારે મુસકેલીમાં મુકાયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, લાઠીદડ ગામમાં જમાઈને ત્યાં જૂનાગઢથી સાસરિયા પક્ષના લોકો મહેમાન આવ્યા હતા. સાંગાવદર ગામે માતાજીના દર્શન કરવા તમામ લોકો ગયા હોવાની વાત સામે આવી છે. કાર તણાઈ ત્યારે તેમાંથી બે લોકો બહાર નીકળી જતા બે લોકોનો આબાદ બચાવ થયો છે. એક જ પરિવારના સાત લોકો ગુમ થઈ જતા આખા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આ લોકો હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
કાર ધસમસતા પ્રવાહમાં તણાઈ આ ઉપરાંત કાર તણાઈ જતાં તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ આ કારમાં આઠ લોકો સવાર હતાં. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ બનાવને 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં હજી 6 લોકો હજી ગુમ છે.ત્યારે બીજી બાજુ બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. જેના પાણી રોડ પર ફરી વળતાં આઠ ગામોના રસ્તા બંધ થઈ ગયા છે.
ગઈકાલે ચોમાસાના પ્રારંભથી ભાવનગર, અમરેલીમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાલીતાણા, સિહોર પાણી પાણી થયા છે. ત્યારે અનેક જગ્યાએ લોકો ફસાયાના બનાવ બન્યા છે. હવામાન વિભાગ દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.