સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ભટકાતા 3નાં કમકમાટીભર્યા મોત, 2ની હાલત ગંભીર

મહેસાણાના સુથાર પરિવારની કારને અધુરિયા બ્રિજ પર નડ્યો અકસ્માત, સ્વિફ્ટ ધડાકાભેર ડિવાઈડરમાં ઘૂસી જતાં 3ના ઘટના સ્થળે જ મોત- જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસેથી ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી. સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ભટકાતા પાંચ પૈકી પતિ-પત્ની અને ચાલકના ઘટનાસ્થળે જ મોત થયાં હતા જ્યારે બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાનો સુથાર પરિવાર રણુજા ખાતે બાબા રામદેવપીરનાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાસકાંઠાના વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. પુરઝડપે આવતી કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં આગળના ભાગનો પરખચ્ચો ઉડી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખૂલી ગઇ હતી.

આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી પતિ-પત્ની વિનુભાઈ ચીમનલાલ સુથાર અને ગીતાબેન વિનુભાઈ સુથાર તેમજ ડ્રાઇવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટનાસ્થળે જ મોત થયાં જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા. એવી માહિતી સામે આવી છે કે વિનુભાઈ સુથાર અને તેમની પત્ની ગીતાબેનની અંતિમયાત્રા ગુરુવારના રોજ સવારે સાતેક વાગતા મહેસાણાના દેદિયાસણના ગોકુલધામ ફ્લેટથી પરાના સ્મશાન ખાતે જશે.

Shah Jina