હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, 3 જગ્યાએ ફાટ્યા વાદળ- 50થી વધુ લોકો લાપતા, 2ના મોત

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલે રાત્રે રાજ્યભરમાં ભારે વરસાદ થયો હતો અને ઘણા વિસ્તારોમાં વાદળ ફાટ્યા હોવાનું સામે આવ્યુ. કુલ્લુના નિરમંડમાં વાદળ ફાટ્યા બાદ બાગી પુલની આસપાસ વાહનો અને મકાનો ધોવાઈ ગયા છે. મનાલીમાં બ્યાસ નદી ફરીથી પોતાનો માર્ગ બદલીને હાઇવે પર આવી ગઈ છે અને અહીં આલૂ ગ્રાઉંડમાં પૂર આવી ગયું છે.

એ જ રીતે ચંદીગઢ મનાલી હાઈવે જગ્યા-જગ્યાએ લેંડસ્લાઇડને કારણે બંધ છે. અત્યાર સુધીમાં કુલ 52 જેટલા લોકો લાપતા હોવાની ખબર છે. શિમલામાં 36 લોકો જ્યારે મંડીના પઘરમાં 9 લોકો લાપતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકડીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ રામપુરના ઝાકડીના સમેજ ખડ્ડમાં પૂર આવ્યું.આ ઘટના ગુરુવારે સવારે પ્રકાશમાં આવી.

આ માહિતી શિમલા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળી છે. હાલ ડીસી શિમલા અનુપમ કશ્યપ અને એસપી શિમલા સંજીવ ગાંધી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. અહીં કુલ 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. NDRFની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ડેમ તૂટવાને કારણે ઘાટીમાં પૂર આવ્યું છે અને હોબાળો મચી ગયો છે. મધ્યરાત્રિએ પડેલા વરસાદને કારણે બ્યાસ નદી પણ ઉગ્ર બની ગઈ છે અને નદી પોતાનો માર્ગ બદલીને હાઈવે પર વહેવા માંડી છે.

પાર્વતી નદીમાં પણ ભારે પૂરના કારણે ભુંતરની આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ શિમલાના રામપુરમાં સમેજ ખડ્ડમાં વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બે મૃતદેહો પણ મળી આવ્યા છે. શિમલા અને કુલ્લુના સરહદી વિસ્તારોમાં 20 થી 25 લોકો ગુમ થયાની આશંકા છે.

Shah Jina