પાકિસ્તાનના આ વિસ્ફોટક બેટ્સમને પોતાના બેટ પર લગાવ્યું પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર, PCBએ દોશી ગણાવી લગાવ્યો દંડ, પણ પછી થયું કંઈક એવું કે…
Azam Khan Fined For Palestine Flag : વર્લ્ડ કપ પૂરો થયા બાદ હવે તમામ ટીમોએ ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 વર્લ્ડ કપ 2024)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં નેશનલ ટી-20 ટૂર્નામેન્ટ પણ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચનારા ઘણા ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ તરફથી રમતા પણ જોવા મળી શકે છે. જો કે, તાજેતરમાં આ ટૂર્નામેન્ટમાં એક વિવાદ ઉભો થયો હતો જ્યારે યુવા વિસ્ફોટક બેટ્સમેન આઝમ ખાન તેના બેટ પર પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર લગાવીને સમર્થનમાં આવ્યો હતો.
50% મેચ ફીનો લગાવ્યો હતો દંડ :
આ ઘટના બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો હતો. જોકે, હવે ક્રિકેટ બોર્ડે આ નિર્ણયની સમીક્ષા કરી છે અને આઝમ ખાન પર લાગેલો દંડ માફ કરી દીધો છે. કરાચી વ્હાઇટ્સના વિકેટકીપર-બેટ્સમેનને નેશનલ બેંક સ્ટેડિયમ કરાચી ખાતે લાહોર બ્લૂઝ સામેની તેની ટીમની નેશનલ T20 કપ 2023-24ની મેચ દરમિયાન લેવલ-1નો ગુનો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા બાદ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર લગાવ્યું હતું બેટ પર :
હકીકતમાં અમ્પાયરે આઝમ ખાનને પેલેસ્ટાઈનનો ધ્વજ હટાવવા માટે કહ્યું હતું. જોકે આઝમ આ માટે તૈયાર નહોતો. અમ્પાયરની વાત ન સાંભળ્યા બાદ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઝમ ખાનને PCB કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.4 હેઠળ દોષિત ગણાવ્યો અને દંડ ફટકાર્યો. આ કાયદા હેઠળ, PCB કોઈ પણ ખેલાડી અથવા ટીમના અધિકારીઓને કોઈપણ વ્યક્તિગત સંદેશ બતાવવાની મંજૂરી આપતું નથી જ્યાં સુધી ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પરવાનગી ન લે.
લોકોની ટીકા બાદ પાછો ખેંચ્યો દંડ :
જોકે, આઝમ ખાન માટે રાહતની વાત એ છે કે તેના પરનો આ દંડ હટાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં, તેના પર દંડની જાહેરાત પછી, પાકિસ્તાન ક્રિકેટ ચાહકો પણ બોર્ડની ટીકા કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આઝમ પાકિસ્તાની ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન મોઈન ખાનનો પુત્ર છે. આઝમ વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે ઘણી વિદેશી લીગમાં પોતાના બેટનું પરાક્રમ બતાવ્યું છે.