ઇડરનો યુવાન બ્રેઇનડેડ બાદ પણ ત્રણ લોકોને આપતો ગયો નવું જીવન, અકસ્માતમાં બ્રેઇનડેડ થતા પરિવારજનોએ હિંમત દાખવી કર્યું અંગદાન

આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને જાગૃતિ આવી છે અને તેમાં પણ ગુજરાત અંગદાન કરવામાં મોખરે છે. અકસ્માતમાં કે અન્ય કોઈ કારણોસર બ્રેઇનડેડ થયેલા વ્યક્તિના પરિવારજનો અંગદાન અંગેનો નિર્ણય લે છે અને જેના કારણે કેટલાય વ્યક્તિઓને નવજીવન પણ મળતું હોય છે.

ત્યારે હાલમાં જ વિશ્વ લીવર દિવસે પણ એક એવી જ ઘટના સામે આવી, જેમાં ઈડરના એક યુવકનું અકસ્માતમાં બ્રેઇનડેડ થતા તેના પરિવારજનોએ હિંમત અને ધીરજ રાખીને અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે 3 લોકોને નવું જીવન મળ્યું હતું. આ ઘટના ગત રોજ 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસના રોજ બની.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનો રહેવાસુ 20 વર્ષીય આશિષકુમાર છેનવાને બાઈક અકસ્માત થયો હતો. જેમાં આશિષને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેના પરિવારજનો તેને સારવાર માટે 16 એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.

સતત ત્રણ દિવસની સઘન સારવાર બાદ આશિષને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેના બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. આ દરમિયાન SOTTOની ટીમ દ્વારા આશીષભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપવામાં આવી હતી, જેના બાદ આશિષના પરિવારજનોએ પણ અંગદાનનું મહત્વ સમજી અને સંમતિ દર્શાવી હતી.

પરિવારની સંમતિ બાદ રિટ્રાઇવલ સેન્ટરના તબીબોએ અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને લિવરનું દાન મેળવ્યું. આ બંને કિડની અને લીવરને  સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં SOTTO અંતર્ગત પ્રત્યારોપણ માટે રજીસ્ટર કરાયેલ જરૂરિયાતમંદ પીડિત દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે “19 એપ્રિલ એટલે કે વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલમાં થયેલ 54 અંગદાન થકી લીવરનું દાન મળ્યું છે. આમ જોઇએ તો અત્યાર સુધીમાં થયેલ 54 અંગદાનમાં અંગદાતાઓ દ્વારા કુલ 46 લીવરના દાન મળ્યા છે. જેને વર્ષોથી લીવરની પીડાના કારણે પીડાઇ રહેલા દર્દીમાં પ્રત્યારોપણ કરીને તેમને પીડામુક્ત કરવામાં આવ્યા છે.”

Niraj Patel