વર્ષ 2018ની વાત છે, ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા હતા. રાજસ્થાનના ઉદયપુર અને મુંબઇના જીયો ગાર્ડનમાં આલીશાન રિસેપ્શન પણ રાખવામાં આવ્યુ હતુ. ઉદયપુરમાં ત્યારે રોકસ્ટાર બિયોન્સે પરફોર્મ કર્યુ હતુ. રીપોર્ટ્સ અનુસાર, ઇશાના લગ્નમાં 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ ભારતના સૌથી મોંઘા લગ્ન હતા.
ત્યારે 6 વર્ષ બાદ આ મોંઘા લગ્નનો રેકોર્ડ તૂટ્યો અને આ રેકોર્ડ પોતે મુકેશ અંબાણીએ જ તોડ્યો. મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જુલાઇ માસમાં લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે લગ્ન પહેલા કપલના પ્રી વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયા અને આ પ્રી વેડિંગ સેરેમનીની ચર્ચા હજુ પણ સોશિયલ મીડિયા પર ચાલેલી છે.
સોશિયલ મીડિયા અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયોથી ભરાયેલુ છે. જ્યાં જુઓ ત્યાં અંબાણી જ અંબાણી છે… આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં દેશ અને દુનિયાના ખૂણેખૂણેથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બિઝનેસ જગતમાં ફેસબુક મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ હોય કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ.
જામનગરમાં માત્ર ત્રણ જ દિવસમાં 350 જેટલા વિમાનોની અવરજવર હોવાનું જાણવા મળ્યું. દેશના ઉદ્યોગપતિઓમાંના એક અદાણીથી લઇને પીરામલ અને બિરલા સુધી મોટા ઉદ્યોગપતિ પરિવારના મહેમાનો પણ અનંત-રાધિકાને આશીર્વાદ આપવા આવ્યા હતા. બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સમાંથી પણ લગભગ જ કોઇ એવી સેલિબ્રિટી હશે જે આ ત્રણ દિવસના સેલિબ્રેશન દરમિયાન ક્યાંય જોવા નહિ મળી હોય.
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઇને અને સુપરસ્ટાર રજનીકાંત અને રામ ચરણ સુધી અનેકે આ ફંક્શનમાં હાજરી આપી હતી. પરી વેડિંગ સેરેમનીના પહેલા દિવસે હોલીવુડ પોપ સ્ટાર રિહાનાએ જબરદસ્ત પરફોર્મન્સ પણ આપ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિહાનાને લગભગ 70 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
જો કે કેટલાક રીપોર્ટ્સમાં 60 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. મુકેશ અંબાણીએ લગ્ન પહેલાની આ સેરેમનીમાં દિલ ખોલીને પૈસા વાપક્યા. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે ત્રણ દિવસના ફંક્શન પર લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આમ તો મુકેશ અંબાણી માટે આ રકમ કંઇ મોટી નથી, બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ 113 બિલિયન ડોલર છે.