હાર્દિકને 12 માં ભૌતિક વિજ્ઞાનમાં 17 માર્ક્સ જ આવ્યા, નાપાસ થયો, પપ્પાએ વ્યાજે પૈસા લઈને ભણાવ્યા પછી આવું પરિણામ…..

અમરેલીમાં દીકરો ફેલ થયો તો પપ્પાએ કહ્યું ‘બેટા, ચિંતા કરવાની જરૂર નથી’ પછી દીકરાએ મમ્મી પપ્પાનું એવું નામ રોશન કર્યું કે….

ઘણીવાર એવું બને છે કે કોઇ છોકરાઓને ભણવામાં રસ હોતો નથી અથવા તેઓ ભણવાને વધારે મહત્વ આપતા નથી, જેને કારણે તેઓ પરિક્ષામાં નાપાસ થાય છે અથવા તો સારા માર્ક્સ મેળવી શકતા નથી. હાલ એવા છોકરાની કહાની સામે આવી છે, જે ઘણા લોકોને પ્રેરણા આપે એવી છે. અમરેલીની બાજુમાં મોટા આંકડિયા નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા કનુભાઈ સેંજાણીએ દીકરા હાર્દિકને ભણાવવા માટે વ્યાજે પૈસા લીધા અને હાર્દિકને ભણવા માટે રાજકોટ એક સ્વનિર્ભર શાળામાં બેસાડ્યો. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું, જેમાં હાર્દિકને ભૌતિક વિજ્ઞાનમાં માત્ર 17 માર્ક્સ જ આવ્યા અને નાપાસ થયો.

જો કે, બાકીના વિષયોમાં પણ વધારે સારા માર્ક્સ ન હતા. પિતાએ વ્યાજે પૈસા લઈને દીકરાને ભણાવ્યા અને તેનું આવું પરિણામ આવે તે પિતાને ગુસ્સો આવવો એ સ્વાભાવિક વાત છે પરંતુ કનુભાઈએ દિકરા હાર્દિકનું મનોબળ તૂટે નહિ એવું કંઇ જ કહ્યુ નહિ, તેમણે માત્ર એટલું જ કહ્યું કે ‘બેટા, ચિંતા કરવાની જરૂર નથી, મહિના પછી પાછી પરીક્ષા આવશે. તું એક જ વિષયમાં નાપાસ છો એટલે એ પરીક્ષા પાસ કરીને આગળના અભ્યાસમાં લાગી જજે.’ જો કે, હાર્દિકે બીજીવાર પરિક્ષા આપી અને તે પરીક્ષા તેણે પાસ પણ કરી લીધી.

હાર્દિકે કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી. શરુ કર્યું. બી.એસ.સી.નો અભ્યાસ અંગ્રેજીમાં હોવાથી બહુ સમાજ પડતી નહોતી એટલે પ્રથમ સત્રમાં 4 માંથી મુખ્ય 3 વિષયમાં નાપાસ થયો. બીજા સત્રમાં પણ 3 વિષયમાં નાપાસ અને ત્રીજા સત્રમાં પણ 3 વિષયમાં નાપાસ. દીકરાનું આવું પરિણામ જોયા બાદ પિતાએ એક દિવસ તો તેને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યુ કે, જો ભણવામાં મન ન લાગતું હોય તો ખેતી સંભાળી લે. હાર્દિકે ફૂલ ટાઈમ ખેતર જવાનું ચાલુ કર્યું પરંતુ અહીં કામ કર્યાના થોડા દિવસોમાં જ એને સમજાઈ ગયું કે આ કાળી મજૂરી કરવા કરતા ભણવું વધુ સારું છે.

જે બાદ પિતાએ કરાવેલા આ અનોખા અનુભવની હાર્દિક પર એવી અસર થઇ કે તે ચોટલી વાળીને ભણવામાં લાગી ગયો અને ચોથા સેમેસ્ટરમાં તમામ વિષયમાં પાસ થયો એ ઉપરાંત આગળના વર્ષોમાં જે વિષયોમાં નાપાસ થયો હતો એ વિષયોમાં પણ પાસ થઇ ગયો. પાંચમાં સેમેસ્ટરમાં આવ્યો ત્યારે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘સ્વામીનારાયણ પ્રકાશ’ નામના માસિકમાં ‘આદર્શ વિદ્યાર્થી કેમ બની શકાય ?’ એ વિષય પરનો લેખ વાંચ્યો જેનાથી હાર્દિકને વિશેષ પ્રેરણા મળી અને વધુ મહેનત કરવાનું બળ મળ્યું.

પાંચમાં સેમેસ્ટરમાં કેમેસ્ટ્રી વિષયમાં એ એની કોલેજમાં બીજા નંબર પર આવ્યો જેનાથી આત્મવિશ્વાસ પણ વધ્યો. કોલેજના છેલ્લા વર્ષમાં તો એવી કમાલ કરી કે ડીસસ્ટીંગશન સાથે કેમેસ્ટ્રી વિષયમાં પ્રથમ સ્થાન પર આવ્યો. આ અભ્યાસ બાદ હાર્દિકે એમ.એસ.સી. કરવા માટે ચાર જગ્યાએ અરજી કરી હતી અને તેની મહેનત જુઓ કે તેને તમામ જગ્યાએ એડમિશન મળી ગયું. વિદ્યાનગરમાંથી એમ.એસ.સી. પણ ડીસસ્ટીંગશન સાથે પૂરું કર્યું. કેમ્પસ ઈન્ટરવ્યુંમાં નોકરી મળી ગઈ પરંતુ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી એટલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પી.એચ.ડી. કરવા માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરીને પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કર્યો.

પી.એચ.ડી.નાં અભ્યાસ દરમ્યાન જ સરકારી કંપની ઓ.એન.જી.સી.માં સારા પગારની નોકરી મળી ગઈ. નોકરીની સાથે સાથે તેણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. જો કે, તેણે થોડા સમય પહેલા જ પી.એચ.ડી. પણ પૂર્ણ કર્યું. આ કહાની પરથી એવું કહી શકાય કે નાપાસ થઈએ અથવા તો નબળું પરિણામ આવે તો બધું સમાપ્ત નથી થઇ જતું. હાર્દિક જેવા ઘણા વિદ્યાર્થીઓએ એ સાબિત કર્યું છે કે જો પોતાના પર વિશ્વાસ હોય તો પ્રચંડ પુરુષાર્થ દ્વારા તમે સફળતાના શિખરો સર કરી શકો છો.

સ્ટોરી : શૈલેષ સગપરિયા

Shah Jina