લગ્ન પછી અનેક છોકરીઓ સાથે અફેર- દગાથી ઉજાડી પત્નીની જિંદગી, ‘ક્યૂંકી સાસ ભી…’ ફેમ એક્ટરને પછતાવો

ટીવીના મશહૂર એક્ટર અને ઇન્ડિયન આઇડલ સિઝન 1ના કંટેસ્ટેંટે એવો ખુલાસો કર્યો છે કે જેને જાણ્યા બાદ તેના ચાહકોના હોંશ ઉડી ગયા છે. એક્ટર-સિંગરે જણાવ્યુ કે તે લગ્નના અનેક વર્ષ સુધી તેની પત્નીને દગો આપતો રહ્યો, જેને કારણે તેનો સંબંધ બગડી ગયો અને આગમાં ઘીનું કામ કેટલાક સ્ટાર્સે કર્યુ. એટલું જ નહિ આ એક્ટરની પત્ની પોતે જેલ પણ જઇ ચૂકી છે. આ એક્ટર બીજુ કોઇ નહિ પણ અમિત ટંડન છે.

અમિત ટંડનને પોપ્યુલારિટી ‘ઇન્ડિયન આઇડલ સિઝન 1’થી મળી હતી. આ શો પછી અમિતે એક્ટિંગનો રૂખ કર્યો. તેણે ‘કૈસા યે પ્યાર હૈ’, ‘કરમ અપના અપના’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘ભાભી’, ‘સાથ સાથ બનાએંગે એક આશિયાના’ જેવી અનેક સિરિયલ્સમાં કામ કર્યુ. છેલ્લે તે ‘કસમ પ્યાર કી’ શોમાં જોવા મળ્યો હતો, જે 2018 સુધી આવી.

અમિતની પ્રોફેશનલ લાઇફથી વધારે તેની પર્સનલ લાઇફની ઘણી ચર્ચા રહી, હાલમાં જ એક્ટર સિદ્ધાર્થ કનનના શોમાં પહોચ્યો હતો અને પોતાના વિખેરાતા લગ્ન, અફેર, દગો અને પર્સનલ લાઇફમાં લાગેલી આગ વિશે વાત કરી. અમિતે સિદ્ધાર્થ સાથે વાત કરતા પોતાની પહેલી ગર્લફ્રેન્ડ વિશે પણ જણાવ્યુ જેનું નામ મોનિકા હતુ. મોનિકાની મોત અમેરિકામાં થયેલ 9/11 આતંકી હુમલામાં થઇ હતી, જે પછી અમિત તૂટી ગયો હતો.

પોતાના લગ્નને લઇને અમિતે જણાવ્યુ કે તેણે રૂબી જે વ્યવસાયે ડોક્ટર છે તેને ક્યોંકિ સાસ ભી કભી બહુ થીના સેટ પર પ્રપોઝ કર્યુ હતુ. બંનેએ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા, જો કે 2017 માં બંનેના સંબંધમાં ખટાસ આવવા લાગી. અહીં સુધી કે બંનેએ છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. પરંતુ વર્ષ 2023માં બંનેએ ફરીથી લગ્ન કર્યા અને હવે તેઓ તેમની પુત્રી સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

અમિતે લગ્ન તૂટવાનું કારણ મેચ્યોરિટી લેવલનું ના હોવાની પણ વાત કરી. આ સાથે તેણે એ પણ કબૂલ્યું કે તેના જીવનમાં ઘણી છોકરીઓ આવી પરંતુ તેણે રૂબી સાથે લગ્ન કર્યા. જો કે લગ્ન પછી પણ તેના જીવનમાં કોઈ બીજું આવ્યું અને રૂબીને ઘણા વર્ષો સુધી તેણે દગો આપ્યો. જ્યારે રૂબીને ખબર પડી ત્યારે તે ભાંગી પડી હતી. પોતાની પત્ની સાથે કરેલા વિશ્વાસઘાતને યાદ કરીને અમિત ખૂબ રડ્યો.

તેણે કહ્યું કે તે પોતાની ભૂલ માટે રૂબીની માફી માંગે છે. જ્યારે અમારી વચ્ચે મુશ્કેલી હતી, ત્યારે ઘણા લોકોએ આગમાં ઘી ઉમેર્યું હતું. પણ હવે તેણે એ નિર્ણય કર્યો છે કે જીવનમાં એવા લોકો જ રહેશે જેઓ ખુશીઓ આપે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિત ટંડનની પત્ની રૂબી ટંડન જેલ પણ જઈ ચૂકી છે. રૂબી વ્યવસાયે ડર્મેટોલજિસ્ટ છે. તેના ઘણા બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ ક્લાઇન્ટ છે. જેમાં મૌની રોય, સંજીદા શેખ અને ઈકબાલ ખાનનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂબી પર કેટલાક સરકારી અધિકારીઓએ તેમની સાથે ગેરવર્તન અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તે લગભગ 10 મહિના સુધી દુબઈની જેલમાં રહી. કહેવાય છે કે અમિતે તેની પત્નીને જેલમાંથી બહાર કાઢવા માટે ઘણી કોશિશ કરી હતી, જેમાં તે સફળ રહ્યો હતો.

Shah Jina