રાજ્યમાં થોડા વિરામ બાદ મેઘરાજાએ ફરી બેટીંગ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી દિવસોમાં તહેવારો પણ શરૂ થવા જઇ રહ્યા છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ આગાહી કરી છે. બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવશે એવું અંબાલાલ જણાવી રહ્યા છે.
શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ રાજ્યમાં ભાતીગળ લોકમેળાઓનો પ્રારંભ થતો હોય છે. જન્માષ્ટમીનો તહેવાર પણ આવી રહ્યો છે જેને લઇને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાલાલે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 17થી24 ઓગસ્ટ રાજ્યનાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાશે.
જન્માષ્ટમીના તહેવાર પર પણ અંબાલાલે વરસાદી માહોલની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ તારીખ દરમિયાન રાજ્યનાં અનેક ઝોનમાં વરસાદ વરસશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.