...
   

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી, એક નાનકડા માસૂમનું મોત

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે આગની ઘટના બની, ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગતા પાર્કિંગથી લઈ બીજા માળ સુધી આગ પહોંચી ગઈ હતી. જેને પગલે ફ્લેટના રહીશોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા.

આ દુર્ઘટનામાં 15થી20 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે માસૂમનું બાળકનું મોત નિપજ્યું હોવાની ખબર છે. ફાયરબ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરાતા તાત્કાલિક ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી હતી. ફ્લેટમાં રહેતા 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે 6:15 વાગ્યા આસપાસ આગ લાગી હતી, કંટ્રોલરૂમને મેસેજ મળતા જમાલપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી અને જ્યારે કર્મચારીઓ પહોંચ્યા ત્યારે આગ સીડીમાંથી બીજા માળ સુધી પહોંચી ગઇ હતી.

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. જો કે, આગના કારણે લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ પણ સર્જાયો હતો. પાર્કિંગના મીટરમાં આગ લાગતા એક્ટિવા અને સાયકલ બળીને ખાક થઈ ગયા હતા. ફ્લેટ ખૂબ જ સાંકડી જગ્યામાં હોવાના કારણે આગ જલ્દી બીજા માળ સુધી પહોંચી ગઈ હતી.

Shah Jina