સુરતનો એડવોકેટ મેહુલ બોઘરા આખરે છે કોણ ? અમરેલીના ગામડાનો છોકરો કેવી રીતે રાતોરાત આવ્યો ચર્ચામાં…જાણો

ગુજરાતની વકીલોની વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું નામ ખૂબ ચર્ચામાં રહે છે અને તે છે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા. મેહુલ બોઘરા સુરતમાં TRB જવાનના હુમલાનો ભોગ બન્યા હતા, જો કે હવે તે સારવાર બાદ ઘરે પાછા ફર્યા છે. આખા ગુજરાતમાંથી મેહુલને જબરદસ્ત સમર્થન મળ્યું. સોશિયલ મીડિયામાં પણ તેમના તરફેણમાં જુવાળ ઊભો થયો છે. ત્યારે હવે લોકો એ જાણવા માગે છે કે રાતોરાત ચર્ચામાં આવેલા આ મેહુલ બોઘરા આખરે છે કોણ ? મેહુલ બોઘરાએ દિવ્ય ભાસ્કર સાથે તેમના બાળપણથી લઈને તેમના વિઝન અંગેની વાતો કરી હતી.

મેહુલ બોઘરા ભલે અચાનક આખા રાજ્યમાં લાઇમલાઇટમાં આવ્યા હોય, પણ તેઓ છેલ્લાં 2 વર્ષથી હપતાખોરી સામે લડી રહ્યા છે. તેમના અવાર નવાર વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જણાવી દઇએ કે, અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં મેહુલ બોઘરાનો જન્મ થયો હતો અને તેઓ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેમના પરિવારમાં હાલ પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.

મેહુલ બોઘરાનો પરિવાર વર્ષ 2002માં સુરત રહેવા આવ્યો હતો. તેમના માતા-પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા. તેમણે સંઘર્ષ અને શક્તિ બંને પરિવાર અને માતા-પિતા પાસેથી શીખી છે. લગભગ 2-3 વર્ષની ઉંમરે તેમને ન્યુમોનિયા થઇ ગયો હતો અને સારવાર માટે તે સમયે 500 રૂપિયાની જરૂર હતી. જો કે, પિતા પાસે એટલા પૈસા નહોતા એટલે તેમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠા કરી સારવાર કરાવી હતી. ન્યુમોનિયા થયો ત્યારે તેમને 46 ઇન્જેકશન લાગ્યાં હતાં, એટલે સંઘર્ષ અને શક્તિ ત્યાંથી જ આવી.

જ્યારે મેહુલ ચોથા ધોરણમાં હતા ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું અને એ જોઈને જ તેમને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું કે જજ બનવું છે, પણ વકીલ બનીને જ્યારે તે ફિલ્ડમાં આવ્યા ત્યારે ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે. બેઈમાનો બહુ છે, ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણા છે. આ તમામની સામે અવાજ ઉઠાવવો હોય તો જજ બનીને તો હું આ દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. ભ્રષ્ટાચારીઓ અને બેઇમાની લોકો સામે અવાજ ઉઠાવવા અને અવાજ કોર્ટ સુધી પહોંચાડવા તેઓએ નક્કી કર્યુ કે હવે વકીલ જ રહેવું છે.

1થી 4 ધોરણ મેહુલ બોઘરાએ ગામની સ્કૂલમાં કર્યું અને કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો. જો કે વકીલાતની ડીગ્રી એમએસ યુનિવર્સિટી વડોદરાથી લીધી. મોહુલ બોધરા જણાવે છે કે સમાજસેવાની સાથે હું વકીલાત પણ કરું છું. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં મારા કેસ ચાલે છે. મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે અને એમાંથી ઘરનું ગુજરાન ચાલે છે. એવા ઘણા કિસ્સા છે, જ્યારે સમાજસેવામાં મેં મારા પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય, પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી.

મોટા ભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે. મેહુલ બોઘરા 2016થી વકીલાત કરે છે પણ સોશિયલ મીડિયા પર લાઇવ 2020થી શરૂ કર્યુ. મોહુલ બોઘરા કહે છે કે પહેલા મારી લડાઈ લેખિતમાં હતી. સારા અનુભવો ઘણા છે, ઘણા પોલીસમિત્રો છે, પણ જેણે નેગેટિવિટી ફેલાવવી છે તે તો એ જ કરશે. પોલીસ અધિકારી સાથે બેસીને ચા-પાણી પણ કરીએ છીએ. એવું નથી કે પોલીસ સાથે મારી નજર નેગેટિવ જ હશે પોઝિટિવ પણ છે અને અંદર જે ખરાબ વસ્તુ છે, એની માહિતી પણ ઈમાનદાર પોલીસ જ આપે છે.

17 ઓગસ્ટે જ્યારે હું હજીરાથી પસાર થયો ત્યારે મેં ગાડી ઊભી રાખી, ટ્રાફિકકર્મચારી પાસે આવ્યા. તેમણે મારી સાથે સેલ્ફી લીધી અને કહ્યું કે મેહુલભાઈ તમે જે કરી રહ્યા છો, એ ખૂબ જ સરસ છે. અમે પણ તમારી સાથે છીએ. તમારી લડત ચાલુ રાખજો. જે વ્યક્તિ ઈમાનદાર છે, તેમને તો દરેક ઈમાનદાર વ્યક્તિ પસંદ જ હોય. મેહુલ બોઘરાએ ખરાબ અનુભવ વિશે જણાવ્યુ કે હાલ જે ઘટના બની તે જિંદગીનો સૌથી ખરાબ અનુભવ છે.

આજ સુધી મેં ઘણાબધા લાઇવ કર્યા પરંતુ એવી કોઈ ભાવના નથી રાખી કે કોઈ લાઇવ થયું કોઈને સબક શિખવાડ્યો, કોઈ પાસે દંડ ભરાવ્યો, કોઈ પોલીસ હોય કે અન્ય હોય, તેમની સાથે કોઈ પર્સનલી ભેદ નથી રાખ્યો, અદાવત રાખી હોય એવું ક્યારેય નથી બન્યું. ઠીક છે કાયદાનો ભંગ કર્યો હોય તો દંડ ભરીને ત્યાં વાત પૂરી થઈ જાય છે, પણ અદાવત રાખીને કોઇની પર જાનલેવા હુમલો કરી દીધો. હું વકીલ છું, અને વકીલ તરીકેનું કામ કરું છું. સામાજિક રિફોર્મનું કામ કરું છું. એમાં આ હુમલા કરવામાં આવે એ મારી જિંદગીનો દુઃખદાયી અનુભવ રહેશે. ભવિષ્યમાં હું આવો અનુભવ કરવા માગતો નથી.

રાજકારણ વિશે મેહુલ બોઘરાએ જણાવ્યુ કે ઓફરો તો તમામ પાર્ટીની આવતી હોય છે પણ એનાથી કંઈ ફરક ના પડે, કારણ કે મારો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી. જે જનતા માટે હું અવાજ ઉઠાવું છું એ જ મારા રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે. હમણાં રાજકારણમાં રસ નથી કેમ કે એ સડો છે. એ સડાને દૂર કરીને પછી કંઈ થાય એ સારી વાત છે. સડાને દૂર કરવા સમાજલક્ષી અને દેશ માટે રાષ્ટ્રપ્રેમથી કાર્યો કરવા પડે, જે લોકોપયોગી હોય. એની વાતો થાય છે પણ કાર્યો થતાં નથી. આપણે કાર્યો કરવા છે, રાજકારણ નહીં.

જ્યારે મેહુલ બોઘરાને પૂછવામાં આવ્યુ કે પાર્ટી કંઈ સારી તો તેણે કહ્યુ કે કંઈ સારી કંઇ ના સારી એ નક્કી કરવાવાળો હું નથી, પણ કામગીરીની વાત કરીએ તો લોકોપયોગી કાર્યો બહુ ઓછાં થાય છે. પછી કોઈપણ પોલિટિકલ પાર્ટી હોય. જો જાહેર જનતાના હિતમાં કાર્યો થવા લાગશે તો મારા જેવા ક્રાંતિકારીઓને અવાજ ઉઠાવવાની જરૂર જ નહિ પડે. મેહુલ બોઘરાએ આગળ જણાવ્યુ કે એક જ વિઝન છે આ દેશમાં જનતા જ્યારે કોઈપણ કામ માટે કોઈપણ સરકારી કચેરીમાં જાય, તેનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ એટલે કે ભ્રષ્ટાચાર વિના.

આગળ તેણે કહ્યુ- ઘણા પોલીસ કે અન્ય કર્મચારીઓ હોઈ તેમની સાથેના સંબંધોની ગોપનિયતા રાખવી એ અતિઅનિવાર્ય છે. હું નામજોગ તમને ના કહી શકું, પણ માત્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં પોલીસ સ્ટેશનના મોટા ભાગના અધિકારીઓ પણ હંમેશાં મારી સાથે હોય છે. મેહુલ બોઘરાએ તેમને મળેલ સર્મથન વિશે વાત કરતા કહ્યુ- આખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતા સહિત તમામનો આ માટે આભાર માનું છું.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina