આદિપુરુષની ટીમ વિરૂદ્ધ મુંબઇમાં દાખલ થઇ FIR, ચાહકો બોલ્યા- ખેલ બનાવીને રાખી દીધો છે.. નવા પોસ્ટરમાં રામે…
પ્રભાસ અને ક્રિતી સેનન સ્ટારર મચ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને લોકો વચ્ચે જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે. જો કે, ગયા વર્ષે જ્યારે ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તેના CGI/VFXને લઈને દર્શકોથી લઈને વિવેચકો સુધી ઘણી ટીકાઓ મળી હતી. આટલું જ નહીં, ફિલ્મના પાત્રોને અલગ રીતે દર્શાવવા બદલ મેકર્સ વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી. આ પછી મેકર્સે ફિલ્મનું ટીઝર પાછું લઈ લીધું. જો કે, રામ નવમી પર મેકર્સ દ્વારા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું.
‘આદિપુરુષ’ના આ નવા પોસ્ટરને લઈને પણ વિવાદ ઉભો થયો. નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે જે પોતાને સનાતન ધર્મનો ગણાવે છે અને તેણે નિર્માતાઓ પર સનાતન ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. પોસ્ટરમાં જનોઈ વગર રામ અને સિંદૂર વગર સીતાને બતાવવા પર ફરી એકવાર આદિપુરુષ વિવાદમાં આવી ગઇ છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, નિર્માતા, કલાકાર અને નિર્દેશક ઓમ રાઉત વિરુદ્ધ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં સંજય દીનાનાથ તિવારીએ મુંબઈ હાઈકોર્ટના વકીલો- આશિષ રાય અને પંકજ મિશ્રાના માધ્યમથી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાને સનાતન ધર્મનો ઉપદેશક ગણાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે, “ફિલ્મ નિર્માતા ઓમ રાઉતે ફિલ્મના નવા પોસ્ટરમાં હિંદુ ધાર્મિક ગ્રંથ રામચરિતમાનસના પાત્રને અયોગ્ય રીતે દર્શાવીને હિંદુ ધર્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.”
પોસ્ટરમાં શ્રી રામને હિંદુ ધર્મગ્રંથમાં વર્ણવેલ રામચરિતમાનસના કુદરતી સ્વભાવથી વિપરીત પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદીએ વધુમાં દાવો કર્યો હતો કે ‘આદિપુરુષ’ રામાયણના તમામ પાત્રોને જનોઇ વગર બતાવે છે. હિન્દુ સનાતન ધર્મમાં જનોઈનું વિશેષ મહત્વ છે, જેને સનાતન ધર્મના અનુયાયીઓ પુરાણોના આધારે સદીઓથી અનુસરી રહ્યા છે. આ સિવાય સીતાની માંગમાં સિંદૂર પણ નથી દર્શાવવામાં આવ્યુ.
ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે, ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ રામ નવમીના અવસર પર એક નવું પોસ્ટર રીલિઝ કર્યું હતુ. પોસ્ટરમાં પ્રભાસ અને સની સિંહ કવચ અને ધોતી પહેરીને ધનુષ અને તીર લઈને જોવા મળે છે. તેમજ ક્રિતી સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે હનુમાન ત્રણેયની સેવામાં ઝૂકેલા જોવા મળે છે.