...
   

ખોડિયાર માતાના દર્શને પગપાળા જતા પરિવારના સંઘને મારી અજાણ્યા વાહને ટક્કર, 3નાં મોત

મોતની ચિચિયારીઓથી ગુંજ્યો હાઇવે: અજાણ્યા વાહને ખોડિયાર મંદિરે જતા પદયાત્રીઓને કચડ્યા… ત્રણનાં મોત- પાંચ ગંભીર

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માત તેમજ હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં હારીજ-ચાણસ્મા હાઈવે પર એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની. બહુચરાજીના આંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શને પગપાળા જતા પરિવારને અજાણ્યા વાહને અડફેટે લીધા, જેને પગલે 3 લોકોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા જ્યારે 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાની જાણ થતા પોલિસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પદયાત્રા સંઘને અજાણ્યા વાહનચાલકે કચડ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, બહુચરાજીના અંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે ઠાકોર પરિવારનો સંઘ પગપાળા જઇ રહ્યો હતો અને આ દરમિયાન મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે એક અજાણ્યો વાહનચાલક સંઘને ટક્કર મારીને ફરાર થઇ ગયો. અકસ્માતને પગલે બે મહિલા અને એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત થયુ, જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે.

ત્રણનાં મોત- પાંચ ગંભીર

ઇજાગ્રસ્તોને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે અને આ પાંચમાંથી ચારની હાલત વધારે ગંભીર છે. ટક્કરને કારણે માતાજીનો રથ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઇ ગયો હતો. મૃતકોમાં 20 વર્ષિય પૂજાબેન જયરામજી, 16 વર્ષિય રોશનીબેન જગાજી અને 62 વર્ષિય શારદાબેન કડવાજી સામેલ છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોમાં મહેન્દ્રભાઈ ઠાકોર (ઉમર 25), રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉમર 18), નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉમર 13), સવિતાબેન નાગજીજી ઠાકોર (ઉમર 45), સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉમર 18)નો સમાવેશ થાય છે.

Shah Jina