ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિન્સની માતાનું કેન્સરના કારણે થયું નિધન, ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપવા બાંધી કાળી પટ્ટી
હાલ બોર્ડર ગાવસ્કર શ્રેણી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેની છેલ્લી મેચ ગઈકાલે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઇ. આ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ત્યારે ગઈકાલે મેચ જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની એલ્બનીઝ પણ હાજર રહ્યા હતા અને પોત પોતાની ટીમના કપ્તાનોને મેચ પહેલા કેપ પણ પહેરાવી હતી.
ત્યારે હાલ એક દુઃખદ ખબર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું નિધન થયું છે. કમિન્સ હાલમાં તેના ઘરે છે. તેના સ્થાને સ્ટીવ સ્મિથ શ્રેણીમાં સુકાનીપદ સંભાળી રહ્યો છે. પેટ કમિન્સની માતા મારિયાએ શુક્રવારે સિડનીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ગંભીર બીમારી સામે લડી રહી હતી. આ જ કારણ છે કે કમિન્સ ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ છોડીને સ્વદેશ પરત ફર્યો હતો.
હાલ અમદાવાદમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી એટલે કે છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે ત્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. ટીમે કમિન્સની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કર્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ ટ્વીટ કરીને કમિન્સની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
On behalf of Indian Cricket, we express our sadness at the passing away of Pat Cummins mother. Our thoughts and prayers are with him and his family in this difficult period 🙏
— BCCI (@BCCI) March 10, 2023
આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ મારિયા કમિન્સના નિધન પર શોક વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે. કમિન્સે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની માતાને 2005માં બ્રેસ્ટ કેન્સર થયું હતું. તે તાજેતરના અઠવાડિયામાં ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. કમિન્સે કહ્યું હતું કે તે શ્રેણીની મધ્યમાં ઘરે પરત ફરી રહ્યો છે. મને લાગે છે કે આ સમયે મારે મારા પરિવાર સાથે રહેવું જોઈએ. મને મારી ટીમ અને ક્રિકેટ બોર્ડ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. મને સમજવા બદલ આભાર.