ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિત વરરાજાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પીડિતે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે વરમાળા બાદ ફેરા થયા અને આ પછી દુલ્હને વોશરૂમમાં જવાનું કહ્યું અને પછી તે પાછી જ ના ફરી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ તે પરત ન આવતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી.
આ દરમિયાન બહાર આવ્યું કે તે તેની સાથે ઘરેણાં અને રોકડ પણ લઈ ગઈ છે. પીડિતે જણાવ્યું કે દુલ્હન સાથે આવેલા તેના તમામ સંબંધીઓ પણ ધીમે ધીમે ત્યાંથી સરકી ગયા અને તેનો કોઇનો પત્તો ના લાગ્યો. જ્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન એક મેરેજ સાઇટ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા.
વરરાજાએ આ માટે ઘણા પૈસા પણ જમા કરાવ્યા હતા. પીડિત વરરાજા ખલક સિંહ મૂળ ઝાંસીના નૈકૈરા ગામનો રહેવાસી છે, અને તે ટ્રક ચલાવે છે. ડિસેમ્બર 2023માં ખલકને કાનપુરના પલક મેરેજ બ્યુરોમાંથી લગ્ન માટે ફોન આવ્યો હતો, આ દરમિયાન મહિલાએ ખલકને પૂછ્યું કે શું લગ્ન થઈ ગયા છે ? આના પર ખલકે કહ્યું કે ના હજુ નથી થયા.
આ પછી લગ્નના નામ પર રજીસ્ટ્રેશન માટે 25 હજાર રૂપિયા ઓનલાઈન જમા કરાવડાવ્યા અને ધીરે ધીરે લગભગ 1 લાખ 10 હજાર રૂપિયા પલક મેરેજ બ્યુરોને પીડિતે આપ્યા. આ દરમિયાન મેરેજ બ્યુરોના સંચાલકે 10 એપ્રિલના રોજ ફોન કરીને ખલકને પ્રિયા વર્મા નામની યુવતી સાથે વાત કરવાનું કહ્યું ત્યાર બાદ ખલકે કાનપુરના બારાદેવી મંદિરમાં પ્રિયા વર્મા સાથે લગ્ન કર્યા. ખલકે લાખોની કિંમતના ઘરેણાં દુલ્હનને ચઢાવ્યા હતા. ફેરા બાદ પ્રિયા વોશરૂમ જવાના બહાને ઘરેણાં લઈને ભાગી ગઈ.