અયોધ્યામાં પ્રથમ દિવસે 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, ભારે ભીડને કારણે…જુઓ તસવીરો
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આસ્થાનું પૂર આવ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ મંગળવારે જ્યારે મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે ભારે આસ્થા જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા અને ભીડને કાબૂમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા.
ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલા દિવસે લગભગ 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. એટલું જ નહીં, જન્મભૂમિ પથ પર પહોંચેલા તમામ ભક્તો દર્શન કર્યા વિના પાછા ન ફરે તે માટે થઇને મંદિરમાં દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંગળવારે સવારે 3 વાગ્યાથી મંદિર પરિસરની બહાર ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.
કડકડતી ઠંડી હોવા છતાં પણ ભક્તો રામલલાના દર્શન કરવા આતુર જોવા મળ્યા હતા. સવારે 7 વાગ્યે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. બપોર સુધીમાં સ્થિતિ એવી હતી કે મંદિરની સુરક્ષા માટે તૈનાત દળો પણ લાચારી અનુભવવા લાગ્યા હતા, તે બાદ મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર પોતે અયોધ્યા પહોંચ્યા અને ભીડને મેનેજ કરવાનું શરૂ કર્યું.
ભીડને જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે અયોધ્યા ધામ પહોંચ્યા હતા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ભીડનું સંચાલન કરવામાં જોડાયા. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને નિર્દેશ આપ્યો હતો કે કોઈ પણ ભક્ત દર્શન કર્યા વિના પાછા ન ફરે.
આસ્થાનું પૂર એવું છે કે લગભગ દરેક વ્યક્તિ અયોધ્યા પહોંચવા માંગે છે. જો કે, પ્રશાસન દ્વારા 10-15 દિવસ સુધી અયોધ્યા ન આવવાની અપીલ કરવામાં આવી છે. અયોધ્યા પહોંચી રહેલા ભક્તોની ભીડને ધ્યાને રાખી અહીં આવનાર બધા વાહનો પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દેવાઇ છે.