રાતમાં ડોરબેલ વગાડતી હતી મહિલા, રડતી હતી ઘર બહાર, પોલિસ તપાસમાં સામે આવી ડરાવની હકિકત- તપાસમાં ખુલ્યુ રાઝ
ગ્વાલિયરના ચંદન નગરમાં મોડી રાત્રે ઘરના દરવાજાની ડોરબેલ વગાડતી એક મહિલાનો મામલો પોલીસે જાહેર કર્યો છે. આ મહિલા ચંદન નગરના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. આ ફૂટેજના આધારે પોલીસ મહિલા સુધી પહોંચી હતી. મહિલા તેના લિવ-ઈન પાર્ટનરને શોધવા ચંદન નગર આવી હતી. મહિલા ગ્વાલિયરની રહેવાસી છે અને આપાગંજ વિસ્તારમાં તેના લિવ-ઈન પાર્ટનર વિક્કી શાક્ય સાથે રહે છે. વિક્કી શાક્ય ગ્વાલિયરના ઘાસ મંડીમાં સ્થિત ચંદન નગરનો રહેવાસી છે.
8 જૂને આ મહિલાનો વિક્કી સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ વિક્કીએ તેને છોડી દીધી. આ પછી મહિલા તેના લિવ-ઈન પાર્ટનર વિક્કીને શોધવા ચંદનનગર પહોંચી પણ તે વિક્કીના ઘરને જાણતી નહોતી. એટલે તેણે અનેક ઘરોની ડોરબેલ વગાડી અને ઘર બહાર તે રડતી. જો કે, અડધી રાત્રે ઘરના દરવાજાની ઘંટડી વાગવાને કારણે લોકો ખૌફથી દરવાજો ખોલતા નહોતા. આ પછી વિસ્તારમાં અફવા ફેલાઇ ગઇ કે કોઇ મહિલા રાત્રે ડોરબેલ વગાડે છે અને ઘરની બહાર રડે છે.
મહિલાની આ હરકતથી ભયનો માહોલ સર્જાયો હતો. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી તો તે ઝડપાઈ ગઈ. પૂછપરછ દરમિયાન તેણે પોતાની આપવીતી જણાવી. મહિલાએ કહ્યુ તે ગ્વાલિયરમાં આપાગંજ પોલીસ ચોકી પાસે રહે છે. મહિલાએ છૂટાછેડા લીધા છે. છ વર્ષ પહેલા તેની મિત્રતા ગ્વાલિયરના ઘાસ મંડીના રહેવાસી વિક્કી શાક્ય સાથે થઈ હતી.
આ પછી બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. થોડા દિવસો પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી વિક્કી તેને છોડી ચાલ્યો ગયો અને મહિલા વિકીની શોધમાં ઘાસ મંડીથી ચંદનનગર સુધીના લોકોના ઘરની ડોરબેલ વગાડવા લાગી. મહિલાની આખી વાત બહાર આવ્યા બાદ પોલીસે મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુવક વિક્કીને બોલાવ્યો અને બંનેની વાત કરાવી. આ પછી મહિલાને સલાહ આપીને છોડી દેવામાં આવી.