છેલ્લા કેટલાક દિવસથી ક્યાંકને ક્યાંક આગ લાગવાની ઘટના બની રહી છે. થોડા દિવસો પહેલા રાજકોટના ગેમઝોનમાં આગ લાગી, જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યાં હવે વધુ એક આગની ઘટના બની છે. અમદાવાદના દાણીલીમડામાં જુના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં આવેલ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક 12થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લાવવા કાર્યવાહી હાથ ધરી.
ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે અને આમાંથી એક કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ જલ્દી ફેલાઈ જવા પામી હતી.
જો કે, ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો પણ પહોંચ્યા હતા. આ પછી પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરાઇ. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને આગની ઘટનાની જાણ કરવામાં આવી. આગ ફેલાઇ જવાને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
જણાવી દઇએ કે, હજુ તો 21 દિવસ પહેલા જ લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલ ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતાં માર્કેટમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.