મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યુ AMC, અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફક્ત આટલા જ લોકો જઈ શકશે, જાણો ફટાફટ

હાલમાં સમગ્ર ગુજરાત સહિત દેશમાં જો કોઇ ઘટનાની ચર્ચા ચાલી રહી હોય તો તે છે મોરબી કેબલ બ્રિજ એટલે કે ઝૂલતા પુલ દુર્ઘટના. રવિવારે સાંજે 6.30 વાગ્યે મોરબીમાંથી માતમના સમાચાર આવ્યા. મોરબીની શાન ગણાતા ઝૂલતો પુલ તૂટતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું હતુ, અને સરકાર પણ હચમચી ગઇ હતી. જો કે, દુર્ઘટના બાદ તાત્કાલિક સરકાર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.

આ દુર્ઘટનામાં ઘણા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં આવા પ્રવાસન સ્થળોએ આવી દુર્ઘટના ન બને તે માટે તાજતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ થયેલ અને હાલ આકર્ષણનું કેન્દ્ર બનેલ અટલ બ્રિજ અંગે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્ય હવે મર્યાદીત કરી દેવામાં આવી છે. દર કલાકે માત્ર 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

ગઈકાલના રોજ અટલ બ્રિજ ખાતે 35,000 લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 8.30 વાગ્યા સુધી ટિકિટ અપાઈ હતી. ત્યારે હવે મોરબી ઝૂલતાં પુલની દુર્ઘટનાને ધ્યાને લઈ તંત્ર જાગ્યુ છે અને હવે અગમચેતીના પગલારૂપે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનું નક્કી કરવામાં આવી છે.

બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જણાવી દઇએ કે, અટલબિજનું સ્ટ્રક્ચર ઘણુ જ મજબૂત છે, પરંતુ સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Shah Jina