પાટણમાં ત્રણ ભાઇ બહેનની સાથે નીકળી અંતિમયાત્રા, મામાના ઘરે ગયેલા ભાણિયાઓને કાળ ભરખી ગયો- આખું ગામ હીબેકે ચડ્યું

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર ગમખ્વાર અકસ્માતમાં લોકો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં એક અકસ્માતનો ખૌફનાક કિસ્સો સામે આવ્યો, જેમાં મામાના ઘરે ગયેલા ભાણિયાઓને કાળ ભરખી ગયો. સુરત-બારડોલી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં ત્રણ ભાઇ બહેન મોતને ભેટ્યા અને તેમની એકસાથે અંતિમયાત્રા નીકળી. પાટણથી ત્રણ ભાઇ-બહેન સાથે માતા-પિતા સુરત મામાના ઘરે ગયાં હતાં અને ત્યાંથી તેઓ લગ્ન પ્રસંગમાં ગયા હતા. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ત્યારે તેમને અકસ્માત નડતા ત્રણ ભાઇ-બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બાદ ગઇકાલના રોજ તેમની અંતિમયાત્રા નીકળી હતી અને આ દરમિયાન લોકોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતુ. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરત-બારડોલી હાઇવે પર શનિવારે બમરોલી પાસે ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં માંડવીના મહેશભાઈ રાઠોડ, તેમની પત્ની અને દીકરી તેમજ મહેશભાઈની પાટણ રહેતી બે ભાણીઓ અને એક ભાણિયો એમ કુલ 6 લોકોના મોત થયા છે.

ત્યારે 6 મૃતદેહોનું પોલિસ દ્વારા પીએમ કરાવ્યા બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યો અને પછી પાટણના ત્રણેય ભાઈ બહેનના મૃતદેહને મોડી રાત્રે પાટણ લાવવામાં આવ્યો. જે પછી રવિવારે એટલે કે ગઇકાલે સવારે ત્રણેય ભાઈ બહેનની એકસાથે અંતિમ યાત્રા નીકળી અને આમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન પરિવારની સાથે સાથે આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગમગીન માહોલ છવાયો હતો.

એક સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. બારડોલીના તરસાડા ખાતે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાં રસ્તામાં કોઈ કારણસર કાર ડમ્પર સાથે અથડાઈ અને કારમાં સવાર 7માંથી 6 લોકોના મોત નીપજ્યાં. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો અને પછી માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલિસે મૃતદેહોના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જેનો ફોન પણ સતત સ્વિચ ઓફ આવતો હોવાથી બારડોલી પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.જાણકારી અનુસાર, મૃતક રાઠોડ રેલવે પોલીસમાં વડોદરા ખાતે ફરજ બજાવતા હતા. આ અકસ્માતમાં મહેશભાઈનો દીકરો કે જે અત્યારે ગંભીર હાલતમાં તેની સારવાર ચાલી રહી છે.

Shah Jina