...
   

આજે અને આવતીકાલે ધબાધબી, હવામાન વિભાગની ક્યાંક તોફાન તો ક્યાંક વરસાદની આગાહી

26-27 ફેબ્રુઆરી એમ બે દિવસ ધબાધબી, તોફાન સાથે વરસાદની આગાહી

ગુજરાત સમેત સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી તો બપોરે ગરમી તો કેટલીક જગ્યાએ વરસાદી માહોલ પણ છવાયેલો છે, જો કે કેટલાક સ્થળોએ તાપમાન વધી રહ્યું છે તો ક્યાંક વરસાદ અને હિમવર્ષાને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. ક્યારેક તાપમાનનો પારો ઉપર તો ક્યારેક નીચે રહે છે.

ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા X પર એક પોસ્ટ શેર કરી આગામી દિવસોમાં હવામાનની પેટર્નની આગાહી કરાઇ છે. 26 અને 27 ફેબ્રુઆરીએ હવામાનશાસ્ત્રીઓના મતે દેશના અલગ-અલગ ભાગોમાં હવામાનની સ્થિતિ અલગ-અલગ હોઈ શકે છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના જ્યારે ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરાઇ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 26 અને 27 ફેબ્રુઆરીએ એટલે કે આજે અને આવતીકાલે કેટલાક મોટા ફેરફારોની આગાહી કરી છે. સોમવાર અને મંગળવારે મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ કરા પડવાની તો કેટલીક જગ્યાએ વાવાઝોડાની પણ સંભાવના છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં, અને ખાસ કરીને પર્વતીય રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

26 અને 27 ફેબ્રુઆરી એમ બે દિવસ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે અને તેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પ્રબળ સંભાવના છે. ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, દિલ્હીમાં સામાન્ય કરતાં વધારે ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવ્યો છે. શનિવારના રોજ બિહારના ઘણા ભાગોમાં વરસાદ નોંધાયો હતો.

Shah Jina