17 year old Son Dies As Fire Surat : ગુજરાતમાં ઘણીવાર ઘર કે ફેકટરીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને આવી આગની ઘટનાઓમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે ગતરોજ સુરતના મોટા વરાછામાં પણ એક એવી જ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં એક 17 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જયારે આગ લાગતા જ પરિવારના 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો પરંતુ તેમનો દીકરો અંદર ફસાઈ જતા તેનું મોત નીપજ્યું.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ આનંદધારા સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના બંગલામાં આ આગ લાગી હતી. તેઓ સંયુક્ત પરિવાર સાથે આ બંગલામાં રહે છે. તેમના પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધંધામાં જોડાયેલો છે, તો નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરે છે. હાલ તેની પરીક્ષાઓ આવતી હોવાના કારણે તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
બે માળના આ બંગલાના પહેલા માળે કોઈ નહોતું રહેતું અને બીજા માળે ઘરના બધા જ સભ્યો સુઈ રહ્યા હતા. ત્યારે અચાનક પહેલા માળે આગ ફાટી નીકળી અને જોત જોતામાં જ આગે વિકરાળ રૂપ પણ ધારણ કરી લેતા આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. બીજા માલ પર સુઈ રહેલા પરિવારના સાત સભ્યોને આગની જાણ થતા જ ભયનો માહોલ છવાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતો હતો, તેના કાકાએ ધુમાડાની વચ્ચે પણ તેમનેજઈને જગાડ્યા અને બહાર નીકળવાના પ્રયાસો કર્યા.
પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો, પરંતુ પ્રિન્સ ધુમાડા વચ્ચે જ ફસાઈ ગયો હતો અને આગમાં દાજી જવાના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઇ ગયો. આ દરમિયાન ફાયર બ્રિગેડને કોલ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડે આગ તો બુઝાવી દીધી પરંતુ પ્રિન્સ ગંભીર હાલતમાં મળતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ પરિવારમાં શોક છવાઈ ગયો.