માસુમ સગીર દીકરીને રુંવાડા ઉભા કરે તેવું મોત મળ્યું, પિતા-મોટા બાપુજીએ જ ત્રાસ ગુજારીને હત્યા કરી, જાણો કેમ કર્યું આવું

ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને ગત થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના તલાલામાં એક માસુમ ફૂલ જેવી 14 વર્ષની સગીરાની બલી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો, જેના બાદ પોલીસે પણ પોતાની તપાસ આરંભી દીધી હતી. હવે આ કેસમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ માસુમ દીકરી ધૈર્યાને તેના જ સગા પિતા અને બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા ખુલાસા થયેલા જોવા મળી રહ્યા છે જેના બાદ લોકોમાં ચકચારી મચી ગઈ છે.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે 14 વર્ષની દીકરીને વળગાડ હોવાની આશંકાના કારણે વાડીમાં જ તેના ઉપર સતત 7 દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષી અત્યાચાર તેના જ પિતા અને મોટાબાપુ દ્વારા ગુજરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાથી સગીરાની માતા એકદમ અજાણ હતી. માતાની જાણ બહાર જ તેના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જેના બાદ તેના મોત વિશે તેની જનેતાને જાણ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને માસુમ દીકરાના નાનાએ જમાઈ અને તેના મોટાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસના સંકજામાં દીકરીના પિતા અને તેના મોટા બાપુજી છે. આ હચમચાવી દેનારી ઘટનામાં એ પણ ખુલાસો થયો છે કે ધૈર્યાને 2 કલાક સુધી આગ પાસે ઉભી રાખવામાં આવી હતી અને તેને લાકડી અને વાયર વડે માર પણ મારવામાં આવ્યો હતો. જેના બાદ તેના માથાના વાળમાં લાકડી બાંધી અને તેને ખુરશીથી બાંધી દેવામાં આવી હતી.

ધૈર્યા ઉપર સતત 7 દિવસ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેને ભૂખી તરસી રાખીને તેના ઉપર તાંત્રિકી વિધિ કરવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનાકર્મ 1 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર સુધી ચાલુ હતો. જેના બાદ 7 ઓક્ટોબરના રોજ ધૈર્યાનું મોત થવાનું માલુમ પડતા જ ચોરી છુપી તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. કુટુંબમાં પણ ધૈર્યાને કોઈ ચેપી રોગ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધૈર્યાના પિતા હત્યારા ભાવેશ અકબરીએ પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે.

Niraj Patel