Vadodara 12th Student Suicide: હાલમાં જ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે સારા માર્કસથી ઉતીર્ણ થયા પણ કેટલાક એવા પણ છે કે જેઓ નાપાસ થયા. જો કે, નાપાસ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ પોતાને બીજો ચાન્સ આપતા હોય છે પણ કેટલાક એવા પણ હોય છે જે નિરાશ અને હતાશ થઇ આપઘાત જેવું પગલુ ભરતા હોય છે.
12 સાયન્સમાં નાપાસ થતા ટૂંકાવ્યુ જીવન:
હાલમાં વડોદરામાં એક વિદ્યાર્થિનીએ ધોરણ-12 સાયન્સમાં ફેલ થવાને કારણે આપઘાત કરી લીધો. વિદ્યાર્થિનીનો મૃતદેહ ઘરના રૂમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને તે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલિસને જાણ થતા જ તે ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મૃતક જીગ્નિશા પટેલના આપઘાત બાદ પરિવાર પર તો આભ ફાટી પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડસર વિસ્તારમાં આવેલા પારૂલ એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષીય જીગ્નિશા પટેલ ધોરણ 12 સાયન્સમાં નાપાસ થઈ અને તે ડિપ્રેશનમાં સરી પડી. જે બાદ તેણે પરિવારને ગેરહાજરીમાં આપઘાત કરી લીધો. હાલ તો વિદ્યાર્થીનીના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ નથી સામે આવ્યુ પણ મંગળવારે જાહેર થયેલા ધોરણ-12 સાયન્સના પરિણામમાં તે ફેલ થઈ હોવાનું સામે આવતા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
ગત વર્ષે પણ વડોદરામાં ધોરણ-12 સાયન્સની એક વિદ્યાર્થિનીએ ફેલ થવાને કારણે જીવન ટૂંકાવ્યું હતું. આ ઉપરાંત મંગળવારે પણ ધો.12ની પારડીની વિદ્યાર્થિનીએ વાપીમાં જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું પરિણામ મંગળવારે એટલે કે 2 મેના રોજ જાહેર થયુ હતું. સરેરાશ પરિણામ 65.58 ટકા રહ્યું જે ગત વર્ષની સરખામણીએ 6 ટકા ઓછું હતું.