...
   

તૂટી ગયો, સૂકાઇ ગયુ આંખોનું પાણી…હાર બાદ રિટાયર દિનેશ કાર્તિકને સંભાળતો જોવા મળ્યો વિરાટ કોહલી

17 વર્ષ, 6 ટીમ અને 1 ખિતાબ…દિનેશ કાર્તિકે IPLથી લીધો સંન્યાસ, RCB ખેલાડીઓના ગાર્ડ ઓફ ઓનરનો શું છે અર્થ જાણો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર દિનેશ કાર્તિકે આઈપીએલમાંથી નિવૃત્તિ લઇ લીધી. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી IPL એલિમિનેટર મેચ બાદ કાર્તિકને RCBના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વિરાટ કોહલીએ કાર્તિકને ગળે લગાડ્યો અને નમ આંખો સાથે તેને વિદાય આપી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્તિકે તેની છેલ્લી ઇનિંગમાં 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ RCB IPLમાંથી બહાર થઈ ગયું છે.

કાર્તિકે સીઝનની શરૂઆત પહેલા કહ્યું હતું કે આ આઈપીએલ તેની કારકિર્દીની છેલ્લી સીઝન હશે, રાજસ્થાન સામેની મેચ હાર્યા બાદ દિનેશ કાર્તિકે બંને હાથ ઉભા કરી દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કોહલીએ કાર્તિકને ગળે લગાવ્યો અને કાર્તિકે ભાવનાત્મક રીતે મેદાન છોડ્યુ. 38 વર્ષીય દિનેશ કાર્તિકે IPL 2024માં 15 મેચમાં 326 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે 187.36ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

આરસીબીએ તેને ટીમના ફિનિશરની ભૂમિકા આપી હતી પરંતુ આ સિઝનમાં કાર્તિક તેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શક્યો નથી. તેણે આ સિઝનમાં 2 અડધી સદી ફટકારી છે. કાર્તિકે 27 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 4 કેચ લીધા અને 257 IPL મેચોમાં 50 વખત અણનમ રહીને દિનેશ કાર્તિકે 4842 રન બનાવ્યા.

આ જમણા હાથના બેટ્સમેને તેની IPL કારકિર્દીમાં 22 અડધી સદી ફટકારી હતી, જેમાંથી શ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન હતો. આ દરમિયાન તેના બેટમાંથી 466 ચોગ્ગા અને 161 છગ્ગા આવ્યા. કાર્તિકે IPLમાં 145 કેચ પકડ્યા હતા, જેમાં 37 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013માં ટ્રોફી ઉપાડી હતી, કાર્તિક તે સમયે ટીમનો ભાગ હતો. તે મહેન્દ્ર સિંહ ધોની પછી આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી સફળ વિકેટકીપર છે.

આ લીગમાં સૌથી વધુ મેચ રમનાર તે ત્રીજો ખેલાડી છે. પોતાના 17 વર્ષના કરિયરમાં કાર્તિકે 6 ફ્રેન્ચાઇઝી માટે રમ્યુ છે. તેણે 2008માં દિલ્હી ડેરડેવિલ્સ જે હાલ દિલ્હી કેપિટલ્સ છે, તેની સાથે પહેલા સિઝનમાં પદાર્પણ કર્યુ હતુ. 2011માં તે પંજાબ ચાલ્યો ગયો અને તેણે બાદમાં મુંબઇ ઇન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઇટરાઇડર્સ અને આરસીબી માટે રમ્યુ.

Shah Jina