ભારતીય સંગીતનું નામ પડતાં આપણી આંખો સામે જુના ગીતો અને શાસ્ત્રીય સંગીત આવી જાય છે. વાંચો પ્રદિપ પ્રજાપતિનો લેખ

0

ભારતીય સંગીતનું નામ પડતાં આપણી આંખો સામે જુના ગીતો અને શાસ્ત્રીય સંગીત આવી જાય છે. આપણા મનમાં એક જ ખ્યાલ રહે છે કે ભારતીય સંગીતનો સંગ્રહ આપણા દેશમાં જ છે, પણ આ વાત તદ્દન ખોટી પડે છે. શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે આવેલ SLBC એટલે કે શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં એશિયા હિન્દી નામનો એક બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો ચાલે છે અને આ સ્ટુડિયોમાં ભારતીય પારંપરિક સંગીતનો એક વિશાળ સંગ્રહ છે.

આ સંગ્રહાલયમાં હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ભાષાના જુના ગીતોનો સંગ્રહ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં રાખવામાં આવેલ ગીતો કોઈ કેસેટ કે ડીવીડીમાં નથી પણ ગ્રામોફોનની કેસેટ્સમાં છે અને બધી કેસેટ્સની સ્થિતિ સારી છે. શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં ભારતીય સંગીતનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે. પચીસ હજારથી પણ વધારે ગીતો એશિયા હિન્દીમાં સંગ્રહિત છે.

શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એશિયા હિન્દી વિભાગના હેડ અને અનાઉન્સર જ્યોતિ પરમારે અમને આ વિશે માહિતી પૂરી પાડી અને તેઓ જણાવે છે કે અમે ભારતીય તહેવારની ઉજવણી પણ કરીએ છીએ અને અલગ અલગ ખાસ દિવસોના અનુસાર ગીતો રેડિયો પર ચલાવવામાં આવે છે. અહીંના બીજા અનાઉન્સર અને મારા મિત્ર સુભાષિનીજી જણાવે છે કે અમે બધી જ કેસેટ્સની સંભાળ સમય પર કરીએ છીએ. જુના ગીતોનો સંગ્રહ જોઈને તમારું મન ચોક્કસ ખુશ થશે. મુખ્ય અનાઉન્સર જ્યોતિ પરમાર મૂળ ઉત્તરાખંડના છે અને બાળપણમાં જ એમનો પરિવાર કોલંબો સ્થાયી થયો હતો અને તેથી તેઓ શ્રીલંકન નાગરિક છે અને આપણી રાષ્ટ્રભાષાની સેવા કરી રહ્યા છે. બીજા અનાઉન્સર સુભાષિની મૂળ શ્રીલંકાના જ છે તો પણ હિન્દી જાણે છે અને હિન્દી ગીતોની એમની સમજ સારી છે. લગભગ ૧૯૨૮માં શરું થયેલો આ સ્ટુડિયો વર્તમાનમાં પણ ઉમદા રીતે કામ કરી રહ્યો છે. અમે એમને એક ગીત ગ્રામોફોનમાં ચાલુ કરવા કહ્યું અને એમણે અમારી વાત માનીને એક નહીં પણ બે ત્રણ ગીતો પ્લે કર્યા ! મારા મનમાં એક વિચાર સતત ફર્યા કરતો હતો અને એ વિચાર એ હતો કે શ્રીલંકાની સરકાર અને ત્યાંના લોકો હિન્દી માટે આટલું માન ધરાવે છે અને આપણે અંગ્રેજી પાછળ પડ્યા છીએ ! કોલંબોમાં મને ઘણી છોકરીઓ એવીમળી કે જેઓ હિન્દી જાણતી હતી. મેં એમને પૂછી જ લીધુ કે તમને હિન્દી કેવી રીતે આવડે ? તો એમણે સહજતાથી કહ્યું કે અમે હિન્દી ફિલ્મો અને સિરિયલો જોઈએ છીએ તો અમને આવડે છે !

શ્રીલંકામાં આવતાં દરેક ભારતીય પ્રવાસીને શ્રીલંકાના નાગરિકો આપણા જેમ જ માન આપે છે. શ્રીલંકાના મુખ્ય એફ.એમ પર પણ ઘણા હિન્દી ગીતો વાગે છે અને શ્રીલંકામાં બૉલીવુડનો પ્રભાવ પણ આપણા ભારત જેટલો જ છે. જ્યારે પણ આપ શ્રીલંકામાં ફરવા જાઓ ત્યારે શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એશિયા હિન્દીમાં જવાનું ન ભૂલજો અને ત્યાંનું સંગ્રહાલય અચૂક જોજો.

લેખક : પ્રદિપ પ્રજાપતિ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!