લેખકની કલમે

વાત એક એવાં બાપની જે પોતાનાં જ દિકરાનો પ્રેમ પામવા રડી પડે છે, એક બાપની મજબુરીની અને પ્રેમની વાર્તા વાંચો આજે જ …. અનોખી વાર્તા.

જિંદગીનું અજવાળું

દિનકરરાયને ખબર જ હતી કે આટલી વાત થયા પછી જેવો હું પેલો પ્રશ્ન પૂછીશ એટલે ફોન કટ થઇ જવાનો અથવા તો સામે છેડેથી ‘પ્લીઝ,પપ્પા સંભળાતું નથી, મોટેથી બોલોને…કે ‘ટાવર કપાય છે, બે મીનીટ પછી ફોન કરુ છું હોં કે….કે પછી, ‘એક મીનિટ હોં, હું જરા બીઝી છું આ બાબતે નિરાંતે વાત કરું છું…એવું સંભળાશે પણ છતાય બાપ હતો ને પોતે? હ્ર્દયમાં ધબકતા પોલાણો વચ્ચે દીકરા-વહુ-બાળકો પ્રત્યેની મમતનું ઘર બાંધી રાખ્યું હતું અને એ ઘરને સપનાનાં દીવડાથી ઝળહળ કરી રાખ્યું હતું કે કયારે પોતાનો દીકરો, એના બે નાના ટબૂડિયા બાળકો અને રુમઝુમ કરતી વહુ આવે અને એ હ્ર્દયની અંદર શણગારી રાખેલા ઘરમાં અને આ ઘરમાં પણ કિલકારીઓ વહેતી થઇ જાય. દીકરાનાં ‘પપ્પા’ ‘પપ્પા’ નો સ્વર પમરાટ અને વહુની ઝાંઝરીનો ઝણકાર સંભળાય. પરંતુ, એમના ધારવા મુજબ જ, દીકરા, દીવાળી ઉપર હવે કયારે આવો છો? તમે ગઇ સાલે ય દીવાળી ઉપર ન હોતા આવ્યા અને ઉનાળામાં તારે જાપાન જવાનું થયું ટ્રેનીંગમાં, એટલે ન આવી શક્યો પણ હવે તો એક વરસ પૂરુંય થવા આવ્યું… આ, તારી મમ્મી પણ યાદ કરી કરીને…

તમે કયારે આવો છો હવે?” જેવું પૂછાયું કે તરતજ ‘એક મીનિટ હોં પપ્પા…અત્યારે મારા બીજા ફોનમાં અમારા ચેરપર્સનનો ફોન આવે છે, નક્કી કોઇ દીવાળી ઇસ્યુ માટે જ બોલાવતા હશે, વીલ કોલ યુ,બાય પપ્પા” કહી મૂકી જ દીધો.

રીસીવર, કાન અને હ્ર્દયનાં કંપનો વચ્ચે શૂન્યતાનું લોલક આમથી તેમ ભટકતું રહ્યું. દીકરો ‘બે મીનિટ પપ્પા…ફોન હોલ્ટ ઉપર રાખો..’ એવું પણ કયા કહી શક્યો..? નહિંતર તો ફોન તો પોતે કર્યો હતો. દીકરાએ નહી અને આમ પણ સામેથી તો દીકરાને ફોન કરવાનો સમય જ કયાં મળે છે? આતો અઠવાડિયા જેવું થઇ જાય પછી હૈયું હાથમાં નથી રહેતું એમ થઇ જ જાય કે ચાલો, દીકરાને ફોન કરું અને ખાસતો મુદ્દ્લને વહાલું વ્યાજ હોય એ સંબંધે પૌત્ર-પૌત્રી સાથે વાત કરવાનું દાદાનું હૈયું બહાના શોધતું રહે છે કે હાલમાં ચીકનગુનિયાનાં બહુ વાયરા છે, બેટા, બન્ને છોકરાની તબિયત જાળવજો. દીકરા આ બાજુ તો સ્વાઇન ફલ્યુ ઉભે હાથે વકર્યો છે, ત્યાં કેમ છે, પ્લીઝ…ટેક કેર… મને તો ખાસ, આ બન્ને છોકરાવની બહુ ચિંતા થયા કરે છે, જાળવજો.” સામે છેડેથી પપ્પા આઆ…મારે તમને કેટલીવાર કહેવું કે એવી નાહકની ચિંતાઓ કરી કરીને ફોન નહી કરવાના પણ તમે માનો છો જ કયાં? ફોગટની ચિંતા કરી કરીને બી.પી વધી જશેતો દોડાદોડી કોને? મારે જ ને?

દિનકરરાય અત્યારે પણ કરુણતા ભર્યુ હસ્યા. બાપ માટે ખાલી એકવાર ખાલી આવવું પડ્યું એમાં તો દીકરાને દોડાદોડી લાગે છે.! ક્યાં અલોપ થઇ ગયો? કયાં વરાળ બનીને ઊડી ગયો બાપ-દીકરાનો સંબંધ?

* * * * * *

“મૂકી દીધો ને?” દિનકરરાય ની પાછળ ઉભેલા કુસુમબહેને જરી કટાક્ષથી અને જરી ખટાશથી પૂછયું. ‘હા’ ‘ના’ ‘હા’ અસમંજસ પણે માથું ધૂણાવતા દિનકરરાયને વ્યર્થ ડોકુ ધૂણાવતા જોતાં જોતાં કુસુમબેને એકદમ સ્પષ્ટ રીતે કહી દીધુ: “નાહકની સોનાની જાળ પાણીમા નાખ્યા કરો છો તમે..! તમે હવે સમજી જાવ કે, એને આપણી સાથે કોઇ નિસ્બત જ રહી નથી પછી શું છે!

“બાપુ છું ને એટલે” દિનકરરાયનો ડૂમો તૂટી ગયો અને આંખનાં ઊંડાણ માંથી બે ચાર આંસુ પાંપણ સુધી ઘસી આવ્યા. હૈયામાં તો સૂનામી ફૂંકાઇ રહ્યું હતું.

કુસુમબેન નજીક આવીને એમનો હાથ, પોતાના હાથમાં લઇને પંપાળી રહ્યા: “સમજુ છું, ખૂબ ઊંડાણથી સમજુ છું- તમારા દિલને! અગિયાર વરસનો થયો ત્યાં સુધી તમે ખંધોલે ચડીને હિંચકા ખવડાવ્યા છે. તમે ધોડો ધોડો થતા અને તમારી પીઠ ઉપર ચડી ને બેસતો, ત્યારે એ આઠ વરસથી નાનો નહતો! એસ.એસ.સીમાં હતો ને એ રાત્રે વાંચવા બેસતો ત્યારે તમે પણ આખી આખી રાત ઉજાગરા ખેંચ્યા છે અને એને એન્જિનીયરનું ભણાવવા તમે તમારો નોકરીમાં કેટલો ઓવરટાઇમ ખેંચ્યો છે એ મારા જેટલું તો કોણ જાણતું હોય? એને એમ.બી.એ કરવું હતું ત્યારે તમે તમારું એકમાત્ર ઘરેણું: વીંટી; એ વીંટીને વેચી આવ્યા હતા અને આઠ હજાર એની એડમીશન ફી ના ભર્યા હતા: એ હું ભુલી નથી ગઇ, પણ એ નક્કી ભૂલી ગયો…
* * * * * *
“બાપુજી…કેમ છો?” સવારમાં હજીતો સાત વાગ્ય હતા,દિનકરરાય જાગીને બહાર આંગણામાં પડેલું છાપુ લેવા નીકવ્યા ત્યાં જ એક યુવાન દરવાજા માંથી આવીને તેના પગમાં પડી ગયો.‘અરે,તું કોણ છે ભાઇ?’ દિનકરરાયને ઓળખાણ ન પડી, એટલે પેલો છોકરો હસી પડ્યો: “બસ, બાપુજી, છ મહીનામાં ભૂલી ગયા?”

“હા દીકરા…” કુસુમબેન પાછળ જ ઊભા રહ્યે રહ્યે બોલ્યા.: એ ભૂલી જ ગયા હોય અને પછી દીનકરરાયને ઉદ્દેશીને જરી મોટેથી કહ્યું: ‘અરે, આ મણીનો દીકરો અર્જુન છે.’ ‘અર્જુન.? “દીનકરરાયે હવે ઝાંખા પાંખા સ્મરણની ઉપર બાઝેલી ધૂળની ખેંપટ ઉડાડી: ‘અરે, અર્જુન, તું તો મોટો થઇ ગયો..”

“એમ.બી.એ કરું છું બાપુજી. જયપુર છું.”

દિનકરરાય અર્જુનનાં એમ.બી.એ કરું છું ‘શબ્દો ઉપર સજ્જડ થઇ ગયા. કુસુમબહેનને ખ્યાલ આવી ગયો કે ગાડી અવળા ટ્રેક ઉપર ચડી ગઇ છે એટલે દીનકરરાયને એણે સમજાવટ અને માર્ગદર્શનનાં સૂરે કહ્યું “અર્જુન દીવાળીની રજાઓમાં આવ્યો છે, છ મહીને તમારી પાસે પહેલીવાર આવ્યો છે, એને લક્ષ્મીજી રૂપી પ્રસાદ તો આપો”

“અરે હા..હા…કફનીનાં ખીસ્સા માંથી દસ દસની નવી કડકડતી નોટોનું બંડલ દિનકરરાયે બહાર કાઢ્યું અને એમાંથી દસ દસની દસ નોટ અને એક રૂપિયાનો સીક્કો કાઢીને અર્જુનને આપ્યા: ‘લે બેટા,..’

‘ના બાપુજી… હું તો ફકત તમારા આર્શીવાદ લેવા આવ્યો છું.’ જયપુરથી રાત્રે બે વાગ્યે આવ્યો. અત્યારે જાગીને તૈયાર થયો, તે પહેલા જ થયું કે સૌથી પહેલા બાપુજીને મળતો આવું અને આર્શીવાદ લેતો આવું…એમ કરતા ફરી ફરીને ઝૂકયો.

દિનકરરાય ભારે હૈયે તેને તાકી રહ્યા. હૈયે ભાર, આંખોમાં ભીનાશ!

* * * * * *

બપોરે મણી કચરા પોતા કરીને કુસુમબહેનને કહેતી હતી: વેકેશન પડી ગયું છે છોકરાવ ભેગા થયા છે માંડ બિચારા…આજ હું હવે નીકળુ છું કાલે સવારે આવીશ..” સુમન અને દિનકર તેની આંખોમાં તાકી રહ્યાં. દીવાળીનાં તહેવારોનો ઉજાસ, ઉત્સાહ તેનાં તનના સમગ્ર રોમે રોમ માંથી પ્રગટતો હતો.છોકરા ભેગા થવાની અને છોકરાવને તેના ભેગા રહેવાની તત્પરતા અછાની રહી નહોતી મણી જતી રહી અને ઘરમાં ખાલીપો ફરી વળ્યો. આ બાજુ ડો.ગર્ગનાં મકાન માંથી હસીખુશીનાં અવાજો આવી રહ્યાં હતા સામે પંજવાણીનાં બન્ને છોકરાઓ પરિવાર સાથે આવી ગયા હતાં ડાબી તરફ પ્રો.પંડ્યાના આજના ખડખડાટ હાસ્યનો અવાજ હવા માંથી તરી આવતો હતો. આમને સામને દીવા પ્રગટી ચૂક્યા હતા.

‘ દીવા નથી મૂકવા? ’ “તેણે પત્નીને કહ્યું પણ આ જ કદાચ પત્ની પણ….!! એ કશું બોલી નહી. નિશ્વાસ નાખીને ચાલતી થઇ ગઇ.

* * * * * *

રાત્રે જમીને એ હીંચકા ઉપર બેઠો કે મણીનાં ત્રણેય છોકરાવ, અર્જુન, ગૌરી અને ભાવેશ આવી પહોંચ્યા: ‘બાપુજી ઇ ઇ.. કરતા ત્રણેય પગે પડ્યા ‘અરે..અરે…અરે..’ દિનકરરાય ત્રણ્રેયને તાકી રહ્યાં. ત્રણેયે નવા નવા કપડા પહેર્યા હતા.
‘અરે અર્જુન..’દિનકરરાય યાદ દેવરાવ્યું: “તારી મમ્મીને મેં હજાર રૂપિયા ફટાકડા લેવા માટે જ આપ્યા છે, તમે ફટાકડા નથી લીધા કે શું હજી સુધી?”

“એ બધું પછી બાપુજી… પહેલા એ બતાવો કે દીવડા કયાં મૂકયાં છે? એક આપણું ઘર છે, જયા દીવડા પ્રગટયાં નથી.”

“હા બાપુજી… ચાલો ચાલો… કયાં મૂક્યા છે? અમને પ્લીઝ, મદદ કરો..નાનો ભાવેશ તો કુસુમનો હાથ પકડી બહાર જ લઇ આવ્યો: “ચાલો..ચાલો.. પહેલા દીવા મૂકીએ, પછી રંગોળી કરીએ અને પછી ફટાકડા ફોડીએ..” “યસ્સસસ..” અર્જુન અને ગૌરીએ ચીચયારી અને તાળી પાડીને વાતને વધાવે લીધી…

આ બન્ને વૃધ્ધોનાં હૈયામાં ઉત્સાહનો થોડો થોડો સંચાર થઇ રહ્યો. પછીતો દીવડાય સુમન-દીનકરે જ પ્રગટાવ્યા અને દિવેલ પણ એમણે જ પૂર્યુ. ‘અરે,તમે પેલી સિરીઝ લઇ આવ્યા છોને? કુસુમ પણ ઉત્સાહિત સ્વરે પૂછતી હતી: “ક્યાં મૂકી છે એ?”

“એ તો હમણાં હું લઇ આવું છું કુસુમબા… અર્જુને ઠેકડો મારીને અંદર ગયો જાણે દીકરાનો દીકરો મોટો થઇને પોતાનાં ઘરમાં દોડીને આવજાવ કરી રહ્યો હોય એમ જ…

દિનકરરાય બડી પ્રસન્નતાથી ત્રણેય ભાઇ બહેનને તાકી રહ્યા નહીતર મણી ક્યાં પોતાની દીકરી છે? પણ દીકરી કરતાય સવાઇ રીતે રહે છે. કુસુમ કહે છે કે પેલો તો પરદેશનાં પાટીયે જઇને બેઠો છે, એક આ દીકરી છે આપણે જેના સગા મા-બાપ નથી છતાંય સગી કરતાય વિશેષ બનીને આપણું ધ્યાન રાખે છે…- ત્રણેય જણાએ ધડીની વારમાં રોશનીથી એવું ઘર ઝળહળાવી દીધું કે પંડ્યાની પુત્રવધૂઓને “કુસુમવિલા” જોવા આવવું પડ્યું…

રાત્રે મોડી રાત સુધી રંગોલી ચાલી..’એલા છોકરાવ,તમારે ઘરે નથી જવું?’ દિનકરરાય પૂછતા હતા તો અર્જુને કહી દીધુ: “બાપુજીનું ઘર એ અમારૂં જ ઘર કહેવાયને? અને જુઓ બાપુજી…હું તો એક જોડી નવાં કપડા પણ લઇ આવ્યો છું હું તો અહિં જ સૂઇ જઇશ..હં કે..”

* * * * * *

બેસતાવર્ષની વહેલી સવારે નહાઇ પરવારીને એ ભગવાનની રૂમ માંથી પૂજા કરીને બહાર નીકળ્યા, ત્યારે નવાં વસ્ત્રોમાં સજ્જ અર્જુન રૂમની બહાર જ ઉભો હતો દિનકરરાય જેવા બહાર નીકળ્યા કે એ પગમાં પડી ગયો: “બાપુજી,એવા આર્શીવાદ આપો કે અમને જન્મો જનમ તમારા જેવા બાપુજી જ મળે…”

દિનકરરાયનાં આંખ માંથી ટપ ટપ ટપ… કરતા આંસુ નીકળી ગયા. દિવાળીનો તહેવાર હોવા છતાં, એક બાપને બે દિવસ પૂરતોય મળવા આવી ન શકનાર દીકરાનાં વ્હાલ માટે વલખા મારતું બાપનું હૈયું રડી પડ્યું. પૂજાની થાળી એક કોર મૂકીને એ અર્જુનને ભેટી પડતા રડી પડ્યા: “એમ નહીં બેટા, પણ ઉલટાનાં ભગવાનને એટલી પ્રાર્થના કરુ છું કે તમ જેવા દીકરા મળજો અમને…”

હૈયું ખાલી થતું ગયું એમ એમ કુસુમે મુકેલા દીવડા વધુને વધુ ઝળહળતા થતા ગયા…!!

લેખક : યોગેશ પંડ્યા 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks